રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે વહેલી સવારે અડધા કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોએ વિસ્ફોટક અવાજ સાંભળ્યો. આ પછી ભયભીત લોકો ઘરો અને એપાર્ટમેન્ટમાંથી બહાર આવી ગયા હતા. આ દરમિયાન કેટલાક છોકરાઓ ગલીમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા. અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.
જણાવવામાં આવ્યું છે કે સવારે 4:09 થી 4:25 વચ્ચે ત્રણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.4 અને 4.4 વચ્ચે માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે રાજસ્થાનના જયપુરમાં 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે 4.09 કલાકે પહેલો આંચકો અનુભવાયો હતો. તેનો બીજો આંચકો સવારે 4.23 કલાકે અને ત્રીજો આંચકો સવારે 4.25 કલાકે આવ્યો હતો. લોકો રસ્તા પર એકબીજાની ખબર પૂછતા પણ જોવા મળ્યા હતા.
NCSએ જણાવ્યું કે 3.4ની તીવ્રતાનો ત્રીજો ભૂકંપ સવારે લગભગ 4.25 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્ર 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું. NCS એ ટ્વીટ કર્યું કે અગાઉ સવારે 4.22 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ પાંચ કિલોમીટરની ઊંડાઈ પર હતું. પહેલો ભૂકંપ સવારે 4.09 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઊંડાઈએ હતું. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટ કર્યું કે જયપુરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હું આશા રાખું છું કે તમે બધા સુરક્ષિત છો.