વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલમાં અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું હતું. પરંતુ તે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ શ્રેણીમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે.
ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરનું માનવું છે કે અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે જો પોતાની જાતને દોડમાં રાખવા માંગતા હોય તો ટેસ્ટ ક્રિકેટમાં સતત રન બનાવવા જરૂર છે. ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી મળેલી હારમાં રહાણે 89 અને 46ના સ્કોર સાથે ભારતનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતો. ત્યાર બાદ તેને વેસ્ટ ઈન્ડિઝના વર્તમાન ટેસ્ટ પ્રવાસ માટે વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, જ્યાં તેનો સ્કોર માત્ર ત્રણ અને આઠ રહ્યો હતો.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી અજિંક્ય રહાણેએ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હોત તો આજે તે ભારતીય ટીમનો કેપ્ટન હોત. પરંતુ પછી તેણે આઈપીએલ દરમિયાન પોતાની જાતને ફરીથી સ્થાપિત કરી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ તક મળી જ્યાં તેણે રન બનાવ્યા, જાફરે જણાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ શ્રેણી માટે તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. પસંદગીકારોએ જોયું હશે કે તેની પાસે ઘણી ક્ષમતાઓ છે. પરંતુ માત્ર એટલું જ છે કે તેને રન બનાવવાની જરૂર છે. જો તે રન નહીં બનાવે તો તેના માટે મુશ્કેલીઓ ઊભી થશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શુક્રવારે જણાવ્યું હતું કે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ઇજાઓમાંથી સાજા થયા બાદ ફરી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે. તેમની વાપસી પર કહ્યું કે, તેઓ મોટી ઈજાઓ બાદ વાપસી કરી રહ્યા છે અને તેમને તેમની ફિટનેસ સાબિત કરવાની અને રન બનાવવાની જરૂર છે પરંતુ અજિંક્ય રહાણેએ સતત રન બનાવવા પડશે કારણ કે 80-90 ટેસ્ટ મેચો રમવા છતાં આ તેની સમસ્યા રહી છે. રોહિત શર્મા બાદ તે કેપ્ટનશિપ માટે સારો વિકલ્પ બની શકે છે.