કેટલાય મોત, અને ખતરનાક રુટ હોવા છતા ગુજરાતીઓ ગેરકાયદેસર અમેરિકા જવાનું સપનુ પડતુ મૂકતા નથી. આજે પણ અનેક ગુજરાતીઓ એવા છે જેઓ આ રસ્તે નીકળી પડતા હોય છે. જ્યારે તેમનો પરિવાર સાથે સંપર્ક કપાય છે ત્યારે અહી ગુજરાતમાં માલૂમ પડે છે. ડિસેમ્બરમાં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા અને ગુમ થયેલા 9 લોકો મામલે ફ્રાન્સ એમ્બેસીનો સંપર્ક કરાયો છે. આ મુદ્દે મહેસાણા પોલીસે વધુ એક એજન્ટી ધરપકડ કરી છે.
ડિસેમ્બર 2022 માં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા મેહસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ 9 લોકો ગુમ છે. ત્યારે આ કેસમાં હવે મહેસાણા એસઓજી અને સીઆઈડી ક્રાઈમ એક્ટિવ બન્યું છે. ગુમ યુવકોની ભાળ મેળવવા માટે ફ્રાન્સ એમ્બેસીનો સંપર્ક કરાયો છે.
આ કેસમાં એસઓજી ટીમે મહેસાણાના શૈલેષ પટેલ નામના વધુ એક એજન્ટની ધરપકડ કરી છે. તો પહેલા ધરપકડ કરાયેલ એજન્ટ દિવ્યેશ પટેલ પાંચ દિવસના રિમાન્ડ પર હતો. પોલીસ પૂછપરછમાં તેણે કહ્યુ હતું કે, તમામ લોકો ફ્રાન્સની સેન્ટ માર્ટિસ જેલમાં બંધ છે. હાલ આ કેસમાં અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડીનો કોઈ અત્તોપત્તો નથી, પોલીસ તેને શોધી રહી છે.
આ કેસમાં અસંખ્ય એજન્ટ છે. જેઓ વિવિધ રુટમાં વિવિધ કડી તરીકે કામ કરે છે. પકડાયેલા એજન્ટ દિવ્યેશ પટેલના પિતા મનોજ પટેલે ખુલાસો કર્યો કે, મારો દીકરો જેલમાં જતા અમેરિકામાં રહેતા એજન્ટ વિજય પટેલ પુરાવા આપશે. આ તમામ 9 યુવકોને પરત લાવવાની કામગારી મોન્ટુ પટેલના માણસો દ્વારા કરવામાં આવી રહી છે.