સ્વતંત્રતા દિવસ પછી મુંબઈમાં યોજાનારી ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ની બેઠક મહત્વની સાબિત થશે. આ બેઠક વિપક્ષી ગઠબંધનની ભાવિ દિશા અને સ્થિતિ બંને નક્કી કરશે. આ બેઠકમાં મહાગઠબંધનના સંયોજકની સાથે-સાથે પ્રમુખ પદ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
મુંબઈની બેઠકમાં વિરોધ પક્ષો સંકલન સમિતિના સભ્યોની પસંદગી, ગઠબંધનના કન્વીનર અને સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ નક્કી કરવા પર ચર્ચા કરશે. દરમિયાન, કોંગ્રેસમાં એવી માંગ વધી રહી છે કે પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનના અધ્યક્ષપદ માટે દાવો કરવો જોઈએ. સૂત્રોનું કહેવું છે કે મુંબઈની બેઠકમાં કોંગ્રેસ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સના અધ્યક્ષ પદ માટે દાવો રજૂ કરશે. પાર્ટીનું માનવું છે કે સૌથી મોટી વિપક્ષી પાર્ટી હોવાના કારણે ઇન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી હોવા જોઇએ
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આ પદ માટે પ્રથમ પસંદગી છે. સૂત્રોનું કહેવું છે કે બેંગલુરુની બેઠકમાં ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ સોનિયા ગાંધીને પ્રમુખપદ સંભાળવા વિનંતી કરી હતી પરંતુ તેઓ તેના માટે તૈયાર નથી. જો કે, તે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ પદની જવાબદારી નિભાવવાનું ચાલુ રાખશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઈન્ડિયા એલાયન્સના પ્રમુખ પદના પ્રબળ દાવેદાર છે. આ સાથે મુંબઈમાં મળનારી બેઠકમાં સંકલન સમિતિના સભ્યોની પસંદગીની સાથે સંયોજકની જગ્યા પણ ઘટક વચ્ચે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કન્વીનર પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએનો સામનો કરવા માટે વિપક્ષની એકતાની કવાયત શરૂ કરી હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને પણ મહાગઠબંધનમાં મહત્વપૂર્ણ પદ આપવામાં આવી શકે છે.