તથ્ય વિરુદ્ધ પોલીસને પાક્કા પુરાવાઓ એકત્ર કરવામાં સફળતા મળી છે. અકસ્માત કેસમાં પોલીસે ઘણા પુરાવા એકઠા કર્યા હોવાની માહિતી મળી છે. જેમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. પોલીસ અકસ્માત કેસમાં એકત્ર કરેલા તમામ પુરાવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરશે. તથ્યે કરેલા અકસ્માત મામલે પોલીસ આજે ચાર્જશીટ ફાઈલ કરે તેવી શક્યતા છે.
અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે. તથ્ય પટેલ કેસમાં અમદાવાદ પોલીસ કમિશનર, 3 DCP, JCP, 5 PI તપાસમાં જોડાયા છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 અઠવાડિયામાં ચાર્જશીટ થશે તેવું કહ્યું હતું. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ આજે સાંજે ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. ચાર્જશીટ થયા બાદ તથ્યનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.