મણીપુર મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિવેદન અને ચર્ચા માટે ફરજ પાડવામાં નિષ્ફળ ગયેલા વિપક્ષોએ હવે કેન્દ્રની મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ સુપ્રત કર્યા છે. આજે કોંગ્રેસ પક્ષે લોકસભા સચીવાલયમાં ગૃહના મહાસચીવને રૂબરૂ જઈને આ પ્રસ્તાવની નોટીસ સુપ્રત કરતા સેવાના ચોમાસુ સત્રમાં સરકાર અને વિપક્ષની મહાટકકરનો સંકેત મળી ગયો છે. હવે આ નોટીસ લોકસભા અધ્યક્ષ પાસે જશે અને લોકસભાની કામકાજ સમીતીની બેઠકમાં તે રજૂ થશે પછી તેના પર ચર્ચાની તારીખ અને સમય નિશ્ચીત થશે. હાલની રાજકીય સ્થિતિ જોતા આ અવિશ્વાસ પ્રસ્તાવ મોદી સરકાર માટે એક મોટું નેરેટીવ શસ્ત્ર બની રહેશે.
વિપક્ષો આ રીતે મણીપુર મુદે વડાપ્રધાન બોલશે તેવી આશા રાખે છે. જો કે લોકસભામાં જે રીતે શાસક મોરચાનું સંખ્યાબળ છે તેના હિસાબે આ પ્રસ્તાવ ફગાવાશે તે નિશ્ચીત છે.છેલ્લા ચાર દિવસથી સંસદમાં મણીપુર મામલે ધમાસાણ ચાલુ છે અને તેમાં મોદી સરકાર નિયમ 176 હેઠળ ચર્ચા કરાવવા અને ગૃહમંત્રી અમીત શાહ જવાબ આપે તે તૈયારી દર્શાવી હતી પણ વિપક્ષો વડાપ્રધાનનો જ આગ્રહ રાખતા હતા જે વિપક્ષોન સ્વીકાર્ય ન હતું. આજે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આ પ્રસ્તાવની નોટીસ લોકસભા સચીવાલયમાં જઈને સુપ્રત કરી હતી. હવે દડો અધ્યક્ષની કોર્ટમાં છે. કોંગ્રેસ પક્ષે તેના તમામ સાંસદોને અને લોકસભા રાજયસભામાં હાજર રહેલા વ્હીપ જારી કર્યા છે તો વિપક્ષ પણ તેના તમામ સાંસદોને હવે આ ત્રણ દિવસ હાજર રાખશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ ભાજપના સંસદીય દળની બેઠકમાં વિપક્ષો પર આકરો હુમલો કરીને તે નિરાશ હોવાનું તથા લાંબો સમય સુધી તે જીતવા માંગતો જ ના હોવાનું જણાવીને પ્રથમ પ્રહાર કરી લીધો હતો. શ્રી મોદીએ પણ ગઈકાલે વિપક્ષના સંભવિત આ પ્રકારના પ્રસ્તાવ અંગે ભવિષ્ય ભાખતા કહ્યું કે તેનો કોઈ મતલબ જ નથી પણ આ પ્રસ્તાવ સ્વીકારાય પછી પણ મોદી મણીપુર મુદે કેટલો સમય બોલશે તે નિશ્ચીત નથી પણ લોકસભા હવે એનડીએ વિ. ઈન્ડીયાનો માહોલ બની ગયો છે. લોકસભામાં ભાજપ 150 સભ્યોની બહુમતી ધરાવે છે અને પ્રસ્તાવમાં મતદાન થશે કે કેમ તે પણ પ્રશ્ન છે. મૌખિક મતદાનથી જ આ પ્રસ્તાવ ચર્ચાના અંતે ફગાવાય તે નિશ્ચીત છે.