પંજાબી ગાયક અને અભિનેતા સુરિન્દર શિંદા વિશે ભૂતકાળમાં અફવાઓ ઉડી હતી કે તેમનું નિધન થઈ ગયું છે. જે બાદ સમાચાર આવ્યા કે તે ખૂબ જ બીમાર છે. ત્યારે હવે 20 દિવસ સુધી જીવન માટે જંગ લડનારા સુરિન્દર શિંદાનું નિધન થઈ ગયું છે. તેમણે 26 જુલાઈ 2023ના રોજ લુધિયાણાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સિંગર અને એક્ટર માત્ર 64 વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયા છે. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, તે પંજાબ મ્યુઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે.
સવારે 7.30 કલાકે અંતિમ શ્વાસ લીધા
લુધિયાણામાં 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ પંજાબી ગાયક સુરિન્દર શિંદાના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. શિંદા છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ તેમની તબિયત સતત બગડી રહી હતી. તેઓ થોડા દિવસોથી વેન્ટિલેટર પર હતા. બુધવારે સવારે 7.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
જ્યારે ઇન્ડસ્ટ્રીના અન્ય લોકો સિંગરના મૃત્યુના સમાચાર પર શોક વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે પંજાબના સીએમ અને અભિનેતા-ગાયક ભગવંત માનએ પણ ટ્વીટ કરીને ગાયકને શ્રદ્ધાંજલિ આપી છે.
મૃત્યુની અફવા પર દીકરાએ જણાવી હતી હકીકત
તાજેતરમાં, જ્યારે સુરિન્દર શિંદાના વેન્ટિલેટર પર હોવાની અને પછી મૃત્યુની અફવાઓએ જોર પકડ્યું હતું, ત્યારે તેમના પુત્રએ સોશિયલ મીડિયા પર આગળ આવીને હકીકત જણાવી હતી. તેમના પુત્ર મનિન્દર શિંદાએ મૃત્યુના અહેવાલોને ખોટી અને પાયાવિહોણી અફવાઓ ગણાવતા કહ્યું કે તેમના પિતા જીવિત છે અને તેમની સારવાર ચાલી રહી છે. તે વેન્ટિલેટર પર પણ નથી. પરંતુ આ માહિતીના 14 દિવસ પછી હવે સિંગરનું અવસાન થયું છે.
તમને જણાવી દઈએ કે સુરિન્દર શિંદાએ ‘ટ્રક બિલિયા’, ‘બલબીરો ભાભી’, ‘કહર સિંહ દી મૌત’ અને ‘પુત્ત જટ્ટન દે’ જેવા ઘણા હિટ ગીતો ગાયા છે. આ સિવાય તે ગીતોના વીડિયો આલ્બમમાં પણ જોવા મળ્યા છે અને ઘણી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.