જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચેની કાનૂની લડાઈએ નવો વળાંક લઈ લીધો છે. જ્યારે કોર્ટે જાવેદ અખ્તરને સમન્સ જારી કરીને 5 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું છે, ત્યારે તેમની પર લાગેલા ‘ખંડણી’ સહિતના 4 આરોપોને ફગાવી દીધા છે. મંગળવારે, કોર્ટે કહ્યું હતું કે ગીતકાર જાવેદ અખ્તર સામે ખંડણીનો કોઈ કેસ નથી બનતો. મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે એમ પણ કહ્યું કે કોઈ વ્યક્તિને લેખિત માફી માંગવાનું કહેવું એ ‘મૂલ્યવાન રક્ષણ’ હેઠળ આવતું નથી, કારણ કે સગવડતા પ્રમાણે કોઈ કાનૂની અધિકાર ન તો બનાવવામાં આવી શકે છે, ન તો તેનો વિસ્તાર કરી શકાય છે અને ન તો તેનું ટ્રાન્સફર થઈ શકે છે.
કંગના રનૌતની જાવેદ અખ્તર સામેની આ ફરિયાદનો આ મામલો અભિનેતા હૃતિક રોશન સાથેના જાહેર ઝઘડાની આસપાસ ફરે છે. અભિનેત્રીની અરજી અનુસાર, માર્ચ 2016માં જાવેદ અખ્તરે તેને અને તેની બહેન રંગોલી ચંદેલને પોતાના ઘરે બોલાવી અને માંગ કરી કે તે હૃતિક રોશનની માફી માંગે. કંગનાએ અરજીમાં કહ્યું છે કે હૃતિક રોશન સાથેના તેના વિવાદને જાવેદ અખ્તર સાથે કોઈ લેવાદેવા નથી.
જાવેદ અખ્તર પર 2016માં કંગનાને ઘરે બોલાવીને ધમકાવવાનો આરોપ
કંગનાએ તેના આરોપોમાં જણાવ્યું છે કે આરોપી (જાવેદ અખ્તર)એ તેને અને તેની બહેનને માર્ચ 2016ના મહિનામાં જુહુ સ્થિત તેના ઘરે બોલાવ્યા અને ગુનાહિત ઈરાદાથી તેને ડરાવી-ધમકાવી. તેમજ તેને બળજબરીથી તેના કો-સ્ટાર (હૃતિક રોશન)ની લેખિતમાં માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે આવું એટલા માટે કર્યું કે તે સાથી કલાકારના સમર્થનમાં પેપર પ્રૂફ (મૂલ્યવાન સુરક્ષા) બનાવી શકે.
કંગનાએ જાવેદ અખ્તર પર લગાવ્યા છે આ આરોપો
આ સિવાય કંગના રનૌતે જાવેદ અખ્તર પર પાયાવિહોણા નિવેદનો આપીને અને તેમની ગરિમા અને પવિત્રતાને ઠેસ પહોંચાડવાનો, નૈતિક ચાંતરીતર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે જાવેદ અખ્તરે ઈરાદાપૂર્વક તેમની વિનમ્રતાનું અપમાન કર્યું, તેમની પ્રાઇવસીમાં ઘૂસવાની કોશિશ કરી અને કો-સ્ટાર સાથેના તેના અંગત સંબંધો પર ટિપ્પણી કરી હતી.
જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ કર્યો છે માનહાનિનો કેસ
આ વર્ષની શરૂઆતમાં કંગના રનૌતે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું હતું. આમાં તેણે 2021 માં એક ઇન્ટરવ્યુમાં પહેલા કહેલી વાતોનું પુનરાવર્તન કર્યું. આ ઈન્ટરવ્યુના આધારે જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. કંગનાની બહેન રંગોલીએ પણ જાવેદ અખ્તરની વાતચીત અંગે કલાકાર દ્વારા કરાયેલા દાવાને સમર્થન આપતા કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું.
કોર્ટે જાવેદ અખ્તરને સમન્સ જારી કર્યા
મંગળવારે, દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, મેજિસ્ટ્રેટ આરએમ શેખ એ નિષ્કર્ષ પર આવ્યા કે કંગના રનૌત દ્વારા કરવામાં આવેલા છ આરોપોમાંથી, ફક્ત બે પર વધુ કાર્યવાહીની જરૂર છે. પરિણામે, મેજિસ્ટ્રેટે જાવેદ અખ્તરને ગુનાહિત ધાકધમકી અને મહિલાની ગરિમાનું અપમાન કરવાના આરોપસર સમન્સ જારી કર્યું. ગીતકાર 5 ઓગસ્ટે અંધેરી કોર્ટમાં હાજર થવાનું છે.