લોકપ્રિયતા અને ટીઆરપી મેળવવા હવે ચેનલોના શો કોઈપણ હદે જઈ રહ્યા છે. બોલ્ડ વિષયના નામે અશ્લીલતાનું પ્રદર્શન હવે ટીવી શો- સીરીઝોમાં સામાન્ય બની ચૂકયું છે, હદ તો ત્યાં થઈ ગઈ કે બાળકોના શોમાં બાળકોને જજ દ્વારા વલ્ગર-સેકસ્યુલ પ્રશ્નો પુછવામાં આવે છે.
આ મામલે ‘સુપર ડાન્સર ચેપ્ટર-3’ના શોમાં જજોએ બાળકો વલ્ગર (અશ્લીલ) કહી શકાય તેવા સવાલો પૂછતા નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટસ (એનસીપીસીઆર)એ ચેનલને આ મામલે ખુલાસો કરવા નોટિસ ફટકારી છે.
આ શોમાં જજો શિલ્પા શેટ્ટી, ગીતાકપુર, અનુરાગ બસુ દ્વારા સ્પર્ધક બાળકોને તેમના મા-બાપને લઈને અણછાજતા અને સેકસ્યુઅલી ભાવનાને ઉશ્કેરતા સવાલો પૂછાતા વિવાદ સર્જાયો છે. કમિશન આ મામલે ત્યારે હરકતમાં જયારે આ વિવાદાસ્પદ વિડીયો બહાર આવ્યો.
એનસીપીસીઆરે જણાવ્યું હતું કે બાળકોને પૂછાયેલા સવાલો બિલકુલ ડિસ્ટર્બ કરી નાખે તેવા હતા, આવા પ્રશ્નો બાળકોને પૂછવા જોઈતા નહોતા. એનસીપીસીઆરના ચેરપર્સન પિયાંક કનુંગોએ કહ્યું હતું કે એકશન ટેકન રિપોર્ટ સબમેટ કરી દીધો હતો અને 7 દિવસમાં ખુલાસો કરવાનું કહ્યું હતું પણ હજુ સુધી ચેનલે કોઈ પ્રતિક્રિયા નથી આપી.