સમગ્ર દેશમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે મેઘમહેર જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરમાં શુક્રવારથી વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વચ્ચે-વચ્ચે પડી રહેલા વરસાદને કારણે અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે સાથે શનિવારે (29 જુલાઈ) હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય મહારાષ્ટ્ર, પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કર્ણાટકમાં તોફાની વરસાદની સંભાવના છે.
પીટીઆઈ એજન્સી અનુસાર, હવામાન વિભાગે શનિવારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના સ્થાનિક કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરની સંભાવના છે અને નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ પણ વધી શકે છે. હવામાન વિભાગે સોલન, શિમલા અને સિરમૌર જિલ્લામાં અચાનક પૂર માટે મધ્યમથી ઉચ્ચ જોખમની ચેતવણી જાહેર કરી તો રાજ્યમાં 3 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે
આ સાથે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી વીજળી અને મુશળધાર વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યના 50 થી વધુ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે જ યુપીના 32 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ શનિવારે ભારે વરસાદ પડશે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરીના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. ઝારખંડ અને મેઘાલયમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડશે.