વિપક્ષનું ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ (INDIA)ના 20 સાંસદનું એક પ્રતિનિધિમંડળ શનિવારે મણિપુર જવા રવાના થઈ ગયું છે. 30 જુલાઈ સુધી ત્યાં રહેશે. આ સાંસદો પહેલા સાચી સ્થિતિનું નિરીક્ષણ કરશે. રાજ્યમાં ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસા અને અહીંના લોકોની સમસ્યાઓના ઉકેલ અંગે પણ તેઓ સરકાર અને સંસદમાં પોતાનો અભિપ્રાય આપશે.
આ દરમિયાન રાજ્યમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસા હવે સુરક્ષાદળો તરફ વળી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં બિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લામાં અનેક સ્થળોએ સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. હુમલાખોરોએ લગભગ 200 ક્રૂડ બોમ્બ ફેંક્યા હતા.
બિષ્ણુપુરના ફાઉગકચાઓ પોલીસ સ્ટેશન હેઠળ ચાર અલગ-અલગ સ્થળોએ થયેલી અથડામણમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, ગુરુવારે પણ બેનાં મોત થયાં હતાં. આર્મી અને મણિપુર પોલીસના એક-એક કમાન્ડો સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા.
પ્રથમ વખત જોવા મળી રહ્યું છે કે સશસ્ત્ર હુમલાખોરો બીએસએફ અને અર્ધલશ્કરી દળોને સીધું નિશાન બનાવી રહ્યા છે. પોલીસને શંકા છે કે આ હુમલામાં આતંકવાદી કેડર સામેલ હોઈ શકે છે, કારણ કે ટોળાં દ્વારા આવા મોટા પાયે હુમલાઓ કરી શકાતાં નથી. અર્ધલશ્કરી દળોની મદદ માટે સેનાની કુમાઉ રેજિમેન્ટના જવાનોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ તમામ પૂર્વોત્તર રાજ્યોના નેતાઓને મણિપુરના મામલામાં હસ્તક્ષેપ ન કરવા અપીલ કરી હતી.
*ઈન્ડિયાના 20 સાંસદને મણિપુર જવાની મંજૂરી નથી*
રાજ્ય સરકારે આ પ્રવાસ માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના 20 સાંસદને મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં આ નેતાઓને એરપોર્ટ પર જ રોકવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે.