રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટવાનું માનવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી મહિના માટે અયોધ્યામાં હોટલોના એડવાન્સ બુકીંગ થવા લાગ્યા છે. જાન્યુઆરીમાં રામમંદિર ખુલ્લુ મુકાવાનું છે તેને ધ્યાને રાખીને 20થી24 જાન્યુઆરીના સમય માટે 4000થી વધુ હોટલ રૂમ બુક થઈ ગયા હોવાનું બહાર આવ્યુ છે. અયોધ્યામાં 10 લકઝરી સહિત 150 જેટલી હોટલો છે. ધર્મશાળા-ગેસ્ટહાઉસ મળીને 10000 જેટલા રૂમ છે.
અયોધ્યામાં ભવ્ય રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા દેશભરમાં ભાવિકોમાં પ્રચંડ ઉત્સાહ રહેવાનું સ્પષ્ટ છે અને એટલે જ લોકો અત્યારથી રૂમ બુક કરાવવા લાગ્યા છે. નાની હોટલો તથા ધર્મશાળાઓના રૂમના ભાડા અત્યારથી વધી ગયા છે. મોટી જાણીતી હોટલોમાં રૂમભાડામાં હજુ કોઈ ફેરફાર કર્યો નથી. ઓછી જાણીતી- નાની હોટલોએ જાન્યુઆરીના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસોમાં રૂમભાડા 4000 કરી નાખ્યા છે.
ધર્મશાળાઓએ પણ અનુસરણ કર્યુ છે. જાણીતા જાનકી મહલ ટ્રસ્ટની ધર્મશાળામાં હાલ એસી રૂમનુ ભાડુ 800 છે તેના દ્વારા કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ અન્ય ધર્મશાળાઓએ રૂમભાડા વધારીને 1200થી 1600 કરી નાખ્યા છે. કેટલીક હોટલોએ તો રામમંદિર મહોત્સવની સંભવિત તારીખોના એડવાન્સ બુકીંગ અટકાવી દીધા છે. છેલ્લી ઘડીએ ઉંચાભાડા વસુલવાનો ઈરાદો હોઈ શકે છે. જાણીતી હોટલોમાં બુકીંગ માટે રોજના 25 જેટલા ઈન્કવાયરી કોલ આવી રહ્યા છે. કેટલીક હોટલોએ 80 ટકા બુકીંગ કર્યા છે. સરકાર તરફથી વીઆઈપી ફાળવણી માટે સૂચના મળવાની આશંકાથી 20 ટકા બુકીંગ બાકી રાખ્યા છે.