હરિયાણાના નૂંહ (મેવાત)માં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામાને પગલે બુધવારે સતત ત્રીજા દિવસે તણાવ વધી રહ્યો છે. સાવચેતીના પગલારૂપે આજે પણ અહીં કર્ફ્યુ ચાલુ રહેશે. સોમવારે રમખાણો ફાટી નીકળ્યાં બાદ નૂંહમાં સ્થિતિ સામાન્ય જણાઈ રહી છે, પરંતુ આજુબાજુના જિલ્લાઓમાં હિંસક ઘટનાઓ વધી છે. નૂંહ, ગુરુગ્રામ, પલવલ જિલ્લામાં હાલ તણાવ છે.
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે નૂંહની હિંસાના વિરોધમાં દિલ્હી-એનસીઆરમાં રેલીઓની જાહેરાત કરી હતી. આ રેલીઓને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
નૂંહને અડીને આવેલા ગુરુગ્રામ, પલવલ, ઝજ્જર, ફરીદાબાદ, રેવાડી, સોનીપત, પાણીપત અને મહેન્દ્રગઢ જિલ્લામાં કલમ 144 લાગુ છે. 4 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છે. ગુડગાંવ-પલવલમાં મંગળવારે મોડી રાત સુધી ઘણી જગ્યાએ આગચંપી થઈ હતી. આ સિવાય રેવાડી જિલ્લાના ધવાનામાં એક સમુદાયની ઝૂંપડીઓ સળગાવી દેવામાં આવી હતી. અર્ધલશ્કરી દળની 13 કંપનીઓ નૂંહ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. આજે સવારે અનેક સ્થળોએ સુરક્ષા દળોએ ફ્લેગ માર્ચ પણ કરી હતી.
રાજ્યના મુખ્યમંત્રી એમએલ ખટ્ટરે મોડી રાત્રે જણાવ્યું કે હિંસા સંબંધિત 44 એફઆઈઆર અત્યાર સુધીમાં નોંધવામાં આવી છે. 70 લોકોના નામ જાહેર કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ દિલ્હી અને રાજસ્થાનના ભરતપુરમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભરતપુરના 4 તાલુકાઓમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.