હરિયાણાના મેવાત-નુહમાં રમખાણોની પ્રારંભિક તપાસ બાદ પોલીસે રોહિંગ્યાઓ અને નૂહમાં ગેરકાયદે ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તાવડુ રોહિંગ્યાઓના ગેરકાયદે કબજા અને ગેરકાયદે ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો હિંસામાં સામેલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આટલું જ નહીં પ્રારંભિક તપાસમાં આ લોકો હિંસામાં સામેલ હોવાનું જણાયું હતું. આવી સ્થિતિમાં પોલીસે ગુરુવારે સાંજે ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર ફેરવી દીધું હતું.
હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ અત્યાર સુધીમાં 5 જિલ્લામાં 93 FIR નોંધાઈ છે. 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એકલા નૂહમાં 46 એફઆઈઆર નોંધાઈ છે. સોમવારે નૂહમાં નીકળેલા સરઘસ પર પથ્થરમારો થયા બાદ જ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ સિવાય નુહના એસપી વરુણ સિંગલાની પણ બદલી કરવામાં આવી છે. શોભાયાત્રા પહેલા વરુણ સિંગલા રજા પર ઉતરી ગયા હતા તેમની જગ્યાએ નરેન્દ્ર બિજરનિયા નવા એસપી બનશે. આ સાથે બિટ્ટુ બજરંગી પર વાયરલ વીડિયોના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા 2300 વીડિયોની ઓળખ કરી છે. નુહ 46, ફરીદાબાદ 3, ગુરુગ્રામ 23, પલવલ 18, રેવાડી 3 ફરિયાદ નોંધાઈ છે. આ સાથે 176 લોકોની ધરપકડ પણ કરાઇ છે.
સોશિયલ મીડિયા પર ઉશ્કેરણી કરનારાઓ પર કાર્યવાહી
નુહ પોલીસે તણાવ ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે 7 FIR નોંધી છે. આમાંથી ત્રણ શાહિદ, આદિલ ખાન મન્નાકા અને શાયર ગુરુ ઘંટાલ નામના યુઝર્સ પર કરવામાં આવ્યા છે. FIR મુજબ શાહિદ નામના યુઝરે 5 પોસ્ટ કરી હતી. જ્યારે એક આદિલ અને 2 શાયર ગુરુ ઘંટાલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ માને છે કે તેણે હિંસા ભડકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.