ઉતરાખંડ હિમાચલ જેવા રાજયોમાં મેઘરાજાનો કહેર યથાવત રહ્યો છે. કેદારનાથમાં આકાશમાંથી આફત વરસતા 13 લોકો લાપતા બન્યા હતા. કેદારના યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડમાં ભયાનક વરસાદ બાદ ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ હતી.પહાડનાં પથ્થરો ઘસી આવતા અનેક દુકાનો તણાઈ ગઈ હતી અને 13 લોકો લાપતા બન્યા હતા. જેઓની એનડીઆરએફ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સતાવાર સુત્રોએ કહ્યુ કે મોડીરાત્રે આસમાની આફત વરસી હતી. રાત્રે જ બચાવ રાહત ટુકડીઓને મોકલવામાં આવી હતી. પરંતુ ભયંકર વરસાદ તથા પથ્થરો પડતા હોવાથી રેસ્કયુ ઓપરેશન શકય બન્યુ ન હતું આજે સવારતી લાપતા લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. ઉતરાખંડમાં પહાડથી માંડીને મેદાની ક્ષેત્રો સુધી ભારે વરસાદ છે.
હવામાન વિભાગ દ્વારા દેહરાદુન, હરીદ્વાર, પૌડી, નૈનિતાલ, ચંપાવત, ચમોલી, બાગેશ્ર્વરધામમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કરાયું છે. બીજી તરફ હિમાચલમાં પણ મેઘમહેર યથાવત રહ્યો છે. કાલકા-સીમલા સહીત 330 માર્ગો પર પરિવહન ઠપ્પ રહ્યું છે. ચોમાસાનાં 41 દિવસમાં રાજયમાં 200 લોકોનો ભોગ લેવાયો છે.જયારે 31 લોકો લાપતા બન્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં હજુ ભારે વરસાદનો દોર જારી રહેવાની આગાહી કરવામાં આવી છે.મેઘ કહેરથી કેટલાંક ભાગોમાં પૂર સ્થિતિ છે અને ઠેકઠેકાણે ભૂસ્ખલનથી 330 માર્ગો બંધ છે.