બુટલેગરોના બાર વગાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ ને એક પછી એક લોટરી લાગી હોય તેવો અનુભવ થયો છે. SMC ની બે ટીમને બે મોસ્ટ વૉન્ટેડ બુટલેગર 12 કલાકના ગાળામાં હાથ આવી ગયા છે. દુબઈ ફરાર થઈ ગયેલા ગુજરાતના નંબર વન બુટલેગર વિનોદ સિંધી ના મેનેજર કમ બુટલેગર આનંદપાલસિંહ દેવડા ઉર્ફે દિક્ષા મારવાડીને SMC ની ટીમ જીવના જોખમે ઉઠાવી લાવી છે. જ્યારે 25 ગુનામાં ફરાર ઈનામી બુટલેગર વિશ્વાસ ગડરીને આસાનીથી તાપી જિલ્લામાંથી ઝડપી લીધો હતો. મોસ્ટ વૉન્ટેડ બુટલેગરોની યાદીમાં રહેલા બે આરોપી હાથ આવી જતાં DGP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રાહતનો દમ લીધો છે.
હજારો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવનાર કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી દેશ છોડી દુબઈ ભાગી ગયો છે. વિજય ઉદવાણી ઉર્ફે વિનોદ સિંધીના મુનિમ એટલે કે, મેનેજરની ભૂમિકા ભજવતો આનંદપાલસિંહ ઉર્ફે દિક્ષા મારવાડી ઘણા લાંબા સમયથી SMC ના નિશાના પર હતો. આનંદપાલ દેવડા ઉર્ફે દિક્ષા વર્ષ 2016થી 17 જેટલા ગુનામાં ફરાર હતો. ગુરૂવારની રાતે SMC ના પીઆઈ આર જી ખાંટ અને તેમની ટીમ રાજસ્થાનના શિરોહી ખાતે એક ફાર્મ હાઉસ પર ત્રાટકી હતી. ફાર્મ હાઉસમાં મજા માણી રહેલો દિક્ષા મારવાડી મળી આવતા તેને ખાનગી કારમાં નાંખીને ટીમ SMC ગુજરાત આવવા રવાના થઈ ગઈ હતી. બુટલેગરને ઉઠાવીને નીકળેલી પોલીસ ટીમની કારને થોડાક કિલોમીટર દૂર બે-ત્રણ વાહનોએ ઘેરી દિક્ષા મારવાડીને છોડાવવા કારને ટક્કર પણ મારી હતી. દિલધડક ઓપરેશનમાં ગુજરાત પોલીસ બુટલેગરને રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં સફળ રહી હતી.
વિનોદ સિંધીના મેનેજરનો ફોન ખોલશે રાઝ
ગુજરાતનો નંબર વન બુટલેગર વિનોદ સિંધી એસએમસીના નિર્લિપ્ત રાયના ડરથી વર્ષ અગાઉ દેશ છોડીને દુબઈ ચાલ્યો ગયો છે. ત્યારબાદ વિનોદ સિંધીના નેટવર્કને દિક્ષા મારવાડી અન્ય સાગરીત લક્ષ્મણ મારવાડી અને બાદલસિંહ સાથે મળીને ચલાવી રહ્યો છે. છેલ્લાં સાત મહિનામાં SMC એ કરેલા પ્રોહીબિશનના 5 મોટા કેસમાં દિક્ષા મારવાડીનું કનેકશન સામે આવ્યું હતું.આનંદપાલસિંહ ઉર્ફે દિક્ષા મારવાડી પાસેથી પોલીસને એક મોબાઈલ ફોન અને બે ડોંગલ મળી આવ્યા છે. દિક્ષા મારવાડીના મોબાઈલ ફોનમાં રહેલી કોલ હિસ્ટ્રી, વૉટસએપ ચેટ-કોલ અને કોન્ટેક્ટ નંબર આધારે દિક્ષા મારવાડી સાથે સાંઠગાંઠ ધરાવતા લાંચીયા તત્વોની પોલ ખૂલે તો નવાઈ નહીં. હાલ દિક્ષા મારવાડીનો કબજો અમદાવાદની રામોલ પોલીસને સોંપવામાં આવ્યો છે.