બોગસ બિલિંગ કૌભાંડમાં ડાયરેકટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ ડીજીજીઆઈની ટીમે રૂ.૧૭૦૩ કરોડના બોગસ બિલીગ કૌભાંડની તપાસમાં છ દિવસમાં છ કૌભાંડીને રાજકોટ અને અમદાવાદથી ઝડપી લીધા હતા. આ કૌભાંડીઓએ ૩૦૬ બોગસ કંપનીઓ બનાવી છે. રૂપિયા ૧૭૦૩ કરોડના બોગસ બીલ જનરેટ કરી રૂ.ર૮૮ કરોડની બોગસ ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી લીધી હતી.
તપાસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં રૂ. ૪.૮પ કરોડ કબજે લીધા હતા. હજુ આ તપાસમાં કૌભાંડનો આંક વધવાની સંભાવના છે. રાજ્યમાં સ્ટેટ જીએસટી દ્વારા પ૦ હજાર કરોડ કરતાં વધુના બોગસ બિલિંગ કૌભાંડોની તપાસ ચાલી રહી છે. ત્યારે જ ડીજીજીઆઈના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે, કેટલાક લોકોએ સાથે મળીને કરોડોના બોગસ બિલ જનરેટ કર્યા છે. અમદાવાદ અને રાજકોટના છ કૌભાંડીએ ૩૦૬ બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવી દીધા હતા. તેના આધારે તેમણે અસ્તિત્વમાં જ ન હોય તેવી કંપનીઓના નામે બીલો જનરેટ કરી દીધા હતા. આ કૌભાંડીઓએ ચોકકસ સમય દરમિયાન રૂ. ૧૭૦૩ કરોડના બોગસ બીલો જનરેટ કરી ખોટી રીતે ર૮૮ કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી લીધી હતી.
અધિકારીઓએ આવા કૌભાંડીઓના ઘર અને ઓફિસ પર દરોડા પાડીને ઘણા વાંધાજનક દસ્તાવેજો પણ મેળવી લીધા હતા. અધિકારીઓએ પ્રાથમિક તપાસ દરમિયાન ડોકયુમેન્ટ ઉપરાંત ડિજિટલ ડેટા પણ કબજે કર્યા હતા. સાથે સાથે રૂ. ૪.૮પ કરોડની વસુલાત પણ કરી લીધી હતા.