ભાવનગર, તા.૮
ભાવનગર જિલ્લાની મહુવાની એક તથા પાલીતાણા નગરપાલિકાની પાંચ બેઠક માટે રવિવાર તારીખ 6 ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ ૫૦.૮૧% જેટલુ મતદાન થયુ હતુ જેની આજે મતગણતરી કરતા મહુવા નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તથા પાલીતાણા નગરપાલિકામાં કોંગ્રેસના ૩ અને ભાજપના બે ઉમેદવારનો વિજય થયો હતો.
મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવેલ જેમાં ભાજપના ઉમેદવાર તરીકે જહાંગીરભાઈ હસનભાઈ કાળવાતર કોંગ્રેસના ઉમેદવાર તરીકે આશિકભાઈ ભીખુભાઈ મકવાણા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સલીમભાઇ નજુભાઇ મલીકે ફોર્મ ભર્યા હતા અને ત્રિપાખીયો જંગ ખેલાયો હતો જેમાં રવિવારે ચૂંટણી યોજાતા યોજાઇ હતી. જેની આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી કરવામાં આવી હતી.
મત ગણતરીના પ્રારંભથી જ ભાજપના ઉમેદવાર આગળ રહ્યા હતા અને અંતમાં ભાજપના ઉમેદવારને 2125 કોંગ્રેસના ઉમેદવારને 1544 તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારને 173 મત મળતા ભાજપના ઉમેદવાર જહાંગીરભાઈ હસનભાઈ કાળવાતરને 600 મતથી લીડથી વિજયી જાહેર કરાયા હતા. મહુવામાં પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો અને વિજેતા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી.
પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં પણ રવિવારે મતદાન થયું હતું જેમાં ૫૦.૮૧% ટકા મતદાન થયુ જેની આજે સવારે યોજાયેલી મત ગણતરીમાં કુલ છ ઉમેદવારો પૈકી કોંગ્રેસના ઉમેદવારનો ભાજપના ઉમેદવાર સામે વિજય થયો હતો. પાલીતાણામાં વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં કુલ છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં આજે મત ગણતરી બાદ કોંગ્રેસના ઉમેદવાર કિરણબેન ગોવિંદમલ કુકડેજાને 2009 મત, અલારખીબેન નુરુભાઇ અબડાને 1955 મત તથા કિરીટભાઈ શામજીભાઈ સાગઠીયાને 1893 મત મળ્યા હતા આમ આ ત્રણેય ઉમેદવારનો વિજય થયો હતો જ્યાર ઈબ્રાહીમભાઇ હસનભાઈ સૈયદને 1056, જાગૃતીબેન અરવિંદભાઈ જોશીને 933, જ્યારે મોનાબેન પવનકુમારને 890 મત મળ્યા હતા તેમજ ૪૧ મત નોટામાં પડ્યા હતા. આમ પાલીતાણા વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. તેમનો વિજય થતાં આગેવાનો તથા કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત વોર્ડ નં. ૭ની બે બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ ચાર ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા જેની આજે મત ગણતરી થતા ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ મુળુભાઈ ગઢવીને 2468 તેમજ રેખાબેન ચંદુભાઈ મકવાણાને 1724 હતો મળ્યા હતા આ બંને ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે જેતુનબેન અબ્બાસભાઈ શાહને 840 તેમજ શરદ દીપકભાઈ વરસડીયાને 284 મત મળ્યા હતા તેમજ નોટાને 45 મતો મળ્યા હતા આમ વોર્ડ નંબર સાતમાં બંને બેઠકો ભાજપના ફાળે ગઈ હતી.આમ ભાવનગર જિલ્લાની મહુવા અને પાલીતાણા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપનો ત્રણ ત્રણ બેઠક પર વિજય થયો હતો.