ભાવનગર,તા.૮
ભાવનગરના બહુચર્ચિત ડમીકાંડમાં આજે વધુ ૬ આરોપીઓએ જામીન અરજી મુકતા સરકારી વકિલની દલિલો ગ્રાહ્ય રાખી ચોથા એડિશ્નલ એન્ડ સેશન્સ જજે તમામના જામીન રદ્દ કર્યા હતા.
ભાવનગરમાંથી ઝડપાયેલા રાજ્યવ્યાપી બોર્ડની પરિક્ષા તથા સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડવાનું કૌભાંડ ઝડપાયેલ જેમાં એક પછી એક ૬૧ આરોપીઓને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. અગાઉ મુખ્ય બે આરોપીઓએ જામીન અરજી મુકી હતી જેમના જામીન કોર્ટે રદ્દ કર્યા હતા. ત્યારબાદ આજે વધુ ૬ આરોપીઓ જેમાં પ્રતિપાલસિંહ જયુભા ગોહિલ, દિવાંગભાઈ યોગેશભાઈ રામાનુજ, રમણીકભાઈ મથુરામભાઈ જાની, પ્રવીણભાઈ અરજણભાઈ સોલંકી, પંકજભાઈ પ્રવિણભાઈ ઘોરીયા, જીજ્ઞાબેન જગદીશભાઈ ધાંધલ્યા સહિતે તેમના વકિલ મારફત ભાવનગરની કોર્ટમાં જામીન અરજી કરી હતી.
આજે ભાવનગરના ચોથા એડિશ્નલ એન્ડ સેશન્સ જજ પી.આઈ. પ્રજાપતિની કોર્ટમાં જામીન અરજી અંગે થયેલી સુનાવણીમાં સરકારી વકિલ એમ.આર.જાષીની દલીલો ગ્રાહ્ય રાખી એડિશ્નલ સેશન્સ જજ પ્રજાપતિએ તમામ આરોપીઓની જામીન અરજી રદ્દ કરી હતી. આમ ડમીકાંડમાં વધુ ૬ આરોપીઓની કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.