ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન’ ફ્રેન્ચાઈઝી જોરદાર કમબેક માટે સંપૂર્ણપણે તૈયાર છે. છેલ્લા બે ભાગમાં સુપરસ્ટાર શાહરૂખ ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વખતે રણવીર સિંહ ‘ડોન 3’ માં નવા ડોન તરીકે જોવા મળશે. ફિલ્મનો તેનો પહેલો શાનદાર લુક સામે આવ્યો છે.
ફરહાન અખ્તરે તાજેતરમાં ડોન 3ની જાહેરાત કરી હતી. તેમણે 1978ની ‘ડોન’ માટે અમિતાભ બચ્ચનનો આભાર માન્યો અને 2006ની ‘ડોન’ માટે શાહરૂખ ખાનના વખાણ કર્યા હતા. તેમણે હવે આ વિરાસતને આગળ વધારવાની વાત કરતા નવા ડોનની હિંટ આપી હતી. હવે આ નવા ટીઝરે સસ્પેન્સ પરથી પડદો હટાવી દીધો છે. આ વખતે રણવીર સિંહ ડોનનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે.
ટીઝરમાં રણવીર સિંહની ધમાકેદાર ઝલક જોવા મળી રહી છે. વૉઇસઓવરમાં અભિનેતા કહે છે, ‘શેર જો સો રહા હૈ વો જાગેગા કબ, પૂછતે હૈ એ સબ. ઉનસે કહ ડો કી ફિર જાગ ઉઠા હૂં મેં ઔર ફિર સામને જલ્દી આને કો. ક્યા હૈ તાકત મેરી, ક્યાં હૈ હિંમત મેરી, ફિર દિખાને કો. મૌત સે ખેલના જિંદગી હૈ મેરી, જીતના હી કામ હૈ તુમ તો હો જાનતે, જો મેરા નામ હૈ. 11 મુલકો કી પુલિસ ઢૂંઢતી હૈ મુજે પર, પકડ પાયા હૈ મુજકો કોન.’
આખરે રણવીર સિંહનો ચહેરો જોવા મળ્યો છે. તે અંતમાં કહે છે ‘મેં હૂં ડોન’. આ ટીઝર હવે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. થોડા સમય પહેલા પણ રણવીર સિંહનું નામ ‘ડોન 3’ માટે જબરદસ્ત ચર્ચાઓમાં હતું. ચાહકો તેને જોવા માટે આતુર હતા, પરંતુ ઘણા લોકોને તે પસંદ નહોતું. ડોન 3 ની જાહેરાત રણવીર સિંહના જન્મદિવસ પર એટલે કે 6 જુલાઈના રોજ થવાની હતી, પરંતુ તે થઈ શક્યું નહીં.
ફરહાન અખ્તર ‘ડોન 3’નું નિર્દેશન કરતા જોવા મળશે. તેમણે અગાઉની બંને ફ્રેન્ચાઇઝીનું નિર્દેશન પણ કર્યું છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટના રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ 2025ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.