ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનમાં 5 લોકોના મોત થયા છે એએનઆઈના જણાવ્યા અનુસાર, રૂદ્રપ્રયાગના ફાટા પાસે 10 ઓગસ્ટે ભૂસ્ખલનને કારણે રોડ પર કાટમાળ જમા થઈ ગયો હતો. આ અંગેની માહિતી મોડી મળતાં રાત્રે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે રોડ પરથી કાટમાળ હટાવવામાં આવ્યો ત્યારે નીચે એક કાર દટાયેલી જોવા મળી હતી, જેમાં 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા. કારમાં સવાર તમામ લોકોના મોત થયા છે.
ભૂસ્ખલનને કારણે, કેદારઘાટીનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જિલ્લા અને પોલીસ પ્રશાસને કેદારનાથ જતા શ્રદ્ધાળુઓને તેઓ જ્યાં છે ત્યાં થોડા દિવસો રોકાવાની અપીલ કરી છે, કેદારનાથ રોડ ઘણી જગ્યાએ જર્જરિત બની ગયો છે અને વારંવાર તૂટી રહ્યો છે. આવી સ્થિતિમાં મુસાફરી જોખમથી મુક્ત નથી.
પ્રશાસનના જણાવ્યા અનુસાર રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ રોડને પૂરો કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. એટલા માટે જિલ્લા પોલીસે યાત્રિકોને રોકી દીધા છે જેથી તેઓ કેદારનાથ તરફ ન જાય કારણ કે રસ્તો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોવાને કારણે અવરજવર સંપૂર્ણપણે બંધ છે. બે દિવસ પહેલા ખુમેરા પાસે રસ્તો સદંતર બંધ હતો જે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને હવે ગઈકાલે સાંજે 4 કલાકે ફરી એકવાર તરસાલી પાસે ડુંગર ધરાશાયી થતા રસ્તો બ્લોક થઈ ગયો છે.