આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીના સસ્પેન્શન બાદ તપાસનો ધમધમાટ શરુ થયો છે. CMOમાંથી દરેકનો રિવ્યૂ કર્યા બાદ ડી.એસ.ગઢવી અને GAS કેતકી વ્યાસના તમામ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. હવે કેતકી વ્યાસની બદલી થયા બાદ થયેલા તમામ ટ્રાન્સફર ઓર્ડરને ફરી બદલવામાં આવશે. તો 15 ઓગસ્ટ બાદ તોમર તપાસ સમિતિ આણંદ જઈ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરશે.
આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડી.એસ.ગઢવી મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક અસરથી કલેક્ટર સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર મામલે તપાસ સમિતિ પણ નિમવામાં આવી છે. તો જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ડી.એસ.ગઢવી અને RAC કેતકી વ્યાસના તમામ સ્ટાફને પણ છૂટો કરી દેવાયો છે. CMOમાંથી દરેકનો રિવ્યૂ કરી સફાયો કરવા આદેશ છૂટ્યા છે.
2008ની બેચના IAS અધિકારી ડી.એસ.ગઢવી ઓફિસ સમય દરમિયાન ઓફિસમાં મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. જેની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. જે બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. તો સમગ્ર મામલાની તપાસ માટે મહિલા અધિકારીઓની ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી. IAS અધિકારી ચેમ્બરમાં સ્પાય કેમેરા કોણે ગોઠવ્યો, કઈ રીતે સમગ્ર વીડિયો શૂટ કરાયો જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.
આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો છે. ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યાની ચર્ચા છે. બંને અધિકારી વચ્ચે ભાગબટાઈને લઈને પણ વિવાદ હોવાની ચર્ચા છે. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો.