ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે એવા અહેવાલોને ફગાવી દીધા કે તે Instagram પર એક પોસ્ટથી $1,384,000 એટલે કે લગભગ 11.45 કરોડ રૂપિયા કમાય છે. શુક્રવારના રોજ Hopper HQ દ્વારા જાહેર કરવામાં આવેલી Instagram પર સૌથી ધનિક સેલિબ્રિટીની યાદીમાં કોહલી 14માં નંબરે હતો. આ યાદી અનુસાર, પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી, કોહલી ઇન્સ્ટાગ્રામ દ્વારા સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબર પર છે. જોકે કોહલીએ આ યાદીને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
શનિવારે કોહલીએ ટ્વીટ કર્યું, “જ્યારે હું જીવનમાં જે કંઈ પણ મળ્યું તેના માટે હું આભારી અને ઋણી છું, પરંતુ મારી કમાણી વિશે સોશિયલ મીડિયા પર જે સમાચાર ચાલી રહ્યા છે તે સાચા નથી.”
શું છે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી રિપોર્ટ
Hopper HQ ના અહેવાલ મુજબ, 2023 માં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ટોચના 3 સૌથી વધુ કમાણી કરનારા એથ્લેટ્સ છે- ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી અને વિરાટ કોહલી. રિપોર્ટ અનુસાર, રોનાલ્ડો એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા 26.7 કરોડ કમાય છે. જ્યારે મેસ્સી, જેણે ગયા વર્ષે આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ જીતાડ્યો હતો, તેની ઇન્સ્ટાગ્રામ પર 215 મિલિયનની કમાણી છે. આ રિપોર્ટ અનુસાર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 11.45 કરોડ રૂપિયા મળે છે.
કોહલી હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને પછી વનડે શ્રેણી પૂરી કરીને ભારત પરત ફર્યો છે. BCCIની વર્કલોડ મેનેજમેન્ટ પોલિસી મુજબ, કોહલીની સાથે, કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20I શ્રેણી માટે બ્રેક આપવામાં આવ્યો છે.
હવે કોહલી સીધો એશિયા કપ 2023 ટૂર્નામેન્ટમાં ભારતીય જર્સીમાં જોવા મળશે. જો કે BCCIએ હજુ સુધી આ એશિયન ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી નથી, પરંતુ ODI ટીમમાં કોહલી જેવા અનુભવી ખેલાડીની પસંદગી નિશ્ચિત છે.
તે જ સમયે, કોહલીએ પોતે પણ પુષ્ટિ કરી છે કે તે 30 ઓગસ્ટથી શરૂ થનારી એશિયા કપ ટૂર્નામેન્ટનો ભાગ બનશે. વાસ્તવમાં, ટ્વિટર પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કોહલી એક પ્રશંસકને કહેતો જોવા મળે છે કે તે 23 ઓગસ્ટે તેને મળીશ, જેનો અર્થ છે કે કોહલી 23 ઓગસ્ટે એશિયા કપ માટે શ્રીલંકા જવા રવાના થનારી ટીમ સાથે હશે.






