ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત મદમહેશ્વરનો રાજ્યના અન્ય ભાગોથી સંપર્ક કપાઈ ગયો છે. બનતોલી પાસે ફૂટ બ્રિજ ધરાશાયી થવાને કારણે અંદાજે 200 લોકો અહીં ફસાયા છે. કેટલાક મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ હજુ પણ લગભગ 150 થી 200 લોકો ત્યાં અટવાયેલા છે. આજે ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવશે. SDRF અને DDRFની ટીમો સ્થળ મોકલી દેવાઇ છે.
14મી ઓગસ્ટની રાત્રે પડેલા મુશળધાર વરસાદે કેદારઘાટીમાં તબાહી મચાવી હતી, જેના નિશાન હવે દેખાઈ રહ્યા છે. મદમહેશ્વર ઘાટીમાં મદમહેશ્વરને જોડતો પદયાત્રી પુલ ધરાશાયી થયો છે. જેના કારણે લગભગ 200 લોકો ફસાયા છે. બનતોલી ગામને જોડતો નાનો પગપાળા ગૌદર પુલ લગભગ 30 મીટર સુધી તૂટી ગયો છે. યાત્રાળુઓ ઉપરાંત સ્થાનિક લોકો પણ ત્યાં ફસાયેલા છે. મદમહેશ્વર, પંચકેદારમાંનું એક સ્થળ છે જ્યાં પાંડવોએ તપસ્યા કરી હતી.
ઉત્તરાખંડમાં વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને પગલે કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ મંગળવારે ચાલુ રહી હતી કારણ કે ગૌરીકુંડ અને મોહનચટ્ટીમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા હતા. વિવિધ ઘટનાઓમાં 21 લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે. રુદ્રપ્રયાગના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે 4 ઓગસ્ટે ગૌરીકુંડ અકસ્માતમાં ગુમ થયેલા વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મુંકટિયા નજીક નદી કિનારેથી મળી આવેલો મૃતદેહ એક છોકરીનો છે જેની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે. આ સાથે જ આ ઘટનામાં ગુમ થયેલા 23 લોકોમાંથી અત્યાર સુધીમાં આઠ મૃતદેહો મળી આવ્યા છે. બાકીના 15 ગુમ લોકોની શોધ ચાલુ છે. મંગળવારે પૌરી જિલ્લાના મોહનચટ્ટીમાં ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે આ ઘટનામાં ગુમ થયેલા અન્ય ત્રણ લોકોની શોધ ચાલી રહી હતી તેમ પોલીસે જણાવ્યું હતું.
હરિયાણાના કુરુક્ષેત્રમાં એક પરિવારના છ સભ્યો ગુમ થઈ ગયા હતા. મંગળવારે પૌરી જિલ્લાના લક્ષ્મણઝુલા વિસ્તારમાં ઋષિકેશ બેરેજ-નીલકંઠ રોડ પર કારમાંથી એક કિશોરી, તેજસ્વિની શર્મા (14)નો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, તેની માતા અને એક કિશોર ભાઈ હજુ પણ ગુમ છે અને તેની શોધ ચાલુ છે. ઉત્તરકાશી જિલ્લાના તિકોચી ગામમાં વરસાદી નાળામાં ડૂબી ગયેલી મહિલા ભૂમિ દેવી (55)ની શોધ પણ ચાલુ છે.
ચમોલી જિલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે ચાર જગ્યાએ ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર માટે બંધ છે, તેને ખોલવાના પ્રયાસો ચાલુ છે. બદ્રીનાથથી ચમોલી વચ્ચેનો હાઈવે ગડોરા, તાંગાણી, ગુલાબકોટી અને બલદૌરામાં બંધ છે. અમસૌરમાં ભૂસ્ખલનને કારણે પૌડી જિલ્લામાં પૌડી-કોટદ્વાર દુગડ્ડા નેશનલ હાઈવે બંધ છે. આ ઉપરાંત ઋષિકેશ-દેવપ્રયાગ-શ્રીનગર નેશનલ હાઈવે પણ તોતાઘાટી પાસે બ્લોક થઈ ગયો છે.