હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પ્રદેશમાં ભારે નુકસાનની તસવીર સામે આવી રહી છે. આ વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ એ તમામ જિલ્લા કલેક્ટરો પાસેથી ગ્રાઉન્ડ ઝીરોનો ફીડબેક લીધો છે. ફીડબેકના આધાર પર મુખ્યમંત્રી સુખવિંદર સિંહે બુધવારે શિક્ષણ સંસ્થાઓમાં રજાની જાહેરાત કરી છે. તેને લઈને આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
હિમાચલની સ્થિતિ ભયાનક બનેલી છે. તેવામાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારે સોમવારે શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મંગળવારે સ્વતંત્રતા દિવસની રજાને કારણે શિક્ષણ સંસ્થાઓ પહેલાથી બંધ હતી. હવે બુધવારના દિવસે પણ શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. તેમણે કહ્યું કે આ ઘટનાઓ સતત થઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં 60 લોકોના મોત થઈ ચુક્યા છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે હવામાનને જોતા બુધવારે શિક્ષણ કાર્ય બંધ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અસુરક્ષિત ઘરોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે અને જે લોકો નાલા પાસે રહે છે તેને હટાવવામાં આવ્યા છે.
બીજી તરફ શિમલામાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. ક્યાંક ડુંગર તૂટી પડ્યા છે તો ક્યાંક મકાનો ધરાશાયી થઈ રહ્યા છે. આને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મંગળવારે પણ શિમલામાં ભૂસ્ખલન થયું, જેના કારણે ઘણા મકાનો પત્તાની જેમ ધરાશાયી થઈ ગયા. તે જ સમયે, પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને સેનાની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.