હજી હમણાં સુધી કાશ્મીર ખીણમાં કોઈ પણ પરિવારે 15 ઓગસ્ટની નજીક લગ્ન યોજવાની કલ્પના કરી ન હતી, જે તારીખ 1990થી અલગતાવાદી કેલેન્ડરમાં કાળો દિવસ તરીકે ચિહ્નિત થયો હતો, પરંતુ ત્રણ દાયકાના સંઘર્ષમાં પ્રથમ વખત, કાશ્મીર ખીણમાં નિકાહ, વાલીમા અને અન્ય પારિવારિક ઉજવણીનો સમય શરુ થયો છે.
કાશ્મીરના અખબારના અહેવાલ મુજબ કાશ્મીર ઘાટીમાં 14 અને 15 ઓગસ્ટની આસપાસ લગ્નના અનેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અખબારને મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચારુરા વિસ્તારના સુર્સિયારના રહેવાસી સજ્જાદ અહેમદ ડારે કહ્યું, “સ્થિતિ શાંતિપૂર્ણ હોવાથી, અમે પિતરાઈ ભાઈના લગ્ન 14 અને 15 ઓગસ્ટના રોજ રાખવાનું નક્કી કર્યું અને અલ્લાહનો આભાર માનીએ કે બધું આસાનીથી થયું.” ડારે કહ્યું કે આ દિવસે તેમના વિસ્તારમાં ઓછામાં ઓછા ચાર લગ્ન સમારંભો થયા હતા.
કાશ્મીરમાં શાંતિની પુનઃસ્થાપના અને મૂડમાં બદલાવ વચ્ચે ઘણા લોકો 15 ઓગસ્ટની આસપાસ તેમના પરિવારો સાથે દિવસ પસાર કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગયા હતા. પહલગામ, દૂધપથરી અને ગુલમર્ગ જેવા વિવિધ આરોગ્ય રિસોર્ટ 15 ઓગસ્ટ (મંગળવારે) લોકોથી ભરાઈ ગયા હતા. લશ્કરી નિયંત્રણ રેખા પર સ્થિત, કેરન, જે ભૂતિયા સ્થળો તરીકે કુખ્યાત હતું, તે આ દિવસોમાં સ્થાનિકો અને બહારના લોકો માટે એક નવું હોટસ્પોટ બની ગયું છે.
90 ના દાયકાની શરૂઆતમાં આતંકવાદ ફાટી નીકળ્યા પછી પ્રથમ વખત, શ્રીનગરમાં 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મંગળવારે લોકોની મોટા પાયે ભાગીદારી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે હજારો કાશ્મીરીઓ શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. સ્ટેડિયમની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જશ્ન-એ-આઝાદીમાં ભાગ લેવાનો લોકોમાં જુસ્સો જોવા મળ્યો હતો.
સત્તાવાળાઓએ આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને અગાઉ લોકો પર લાદેલા નિયંત્રણો હળવા કર્યા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નિકળ્યા હતા. શ્રીનગરના 15 લાખ રહેવાસીઓને આ નવાઇ પમાડે તેમ હતું કે તેમને કોઇ કાંટાની વાડ અથવા અવરોધકો જોવા મળ્યા ન હતા. તેઓએ કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર મુકવામાં આવતા કાંટાળી વાડ અથવા બેરિકેડ ગઇ કાલે જોયા ન હતા. આવી સ્થિતિમાં બાળકોથી લઈને વૃદ્ધો રાષ્ટ્રધ્વજ લઈને બક્ષી સ્ટેડિયમ પહોંચ્યા હતા.
2003 પછી આ પ્રથમ વખત છે જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સ્ટેડિયમમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 2003માં અંદાજિત 20,000 લોકોએ પરેડ નિહાળી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ 10,000 લોકો સમારોહના સાક્ષી બનવા માટે આવ્યા હતા. આ પ્રસંગે લોકો ખુશ દેખાતા હતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. ધ્વજવંદન સમારોહ માટે શહેરની ઘણી શાળાઓ વહેલી સવારે ખુલી હતી જ્યારે દુકાનો પણ ખુલ્લી જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પૂરતી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાહનોની અવરજવર સુચારૂ રહી હતી. મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પણ સતત ત્રીજી વખત અવિરત રહી, જ્યારે આ સેવાઓ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ સ્થગિત રહેતી હતી.