નૂંહ હિંસાને કારણે ચર્ચામાં આવેલા બિટ્ટુ બજરંગીની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. નૂંહ પોલીસે બિટ્ટુને ઘરેથી પકડી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સીઆઈએ તાવડુ દ્વારા બિટ્ટુની ધરપકડ કરવામાં આવી છે. નૂંહ પોલીસના પ્રવક્તા કૃષ્ણ કુમારે જણાવ્યું હતું કે 31 જુલાઈએ નૂંહ હિંસા બાદ સદર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 148, 149, 332, 353, 186, 395, 397, 506 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની ટીમોએ હિંસા સાથે જોડાયેલા વીડિયોની પણ તપાસ કરી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
બિટ્ટુ બજરંગી પર સરકારી કામમાં અવરોધ, હથિયાર છીનવી લેવા અને પોલીસ સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે. નૂંહમાં બ્રજમંડળની યાત્રા પહેલા બિટ્ટુ બજરંગીએ સોશિયલ મીડિયા પર અનેક ઉશ્કેરણીજનક વીડિયો મૂક્યા હતા. જે કેસમાં બિટ્ટુ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર બિટ્ટુની ધરપકડની માગ કરવામાં આવી રહી હતી.