ગુજરાતમાં સટ્ટાના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં ઉત્તર ગુજરાતમાંથી કરોડો રૂપિયાનો ડબ્બા ટ્રેડિંગ સટ્ટો રમાતો હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2023માં આઇપીએલ પૂર્ણ થતા જ કેન્દ્રીય તપાસ એજન્સીઓ તથા પોલીસને માહિતી મળી હતી કે ગુજરાતમાં કરોડોનો બેનામી વહીવટ અને સટ્ટો રમાતો હોવાની માહિતી મળી હતી, જેના આધારે તપાસ એજન્સીઓ અને પોલીસે ખાનગી ઓપરેશનો હાથ ધર્યા હતા.જો કે, આ ઓપરેશનોમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના હાથમાં એક મોટી માહિતી હાથ લાગી હતી.જેમાં જાણવા મળ્યું કે, રાજકોટની આંગડિયા પેઢીઓ દ્વારા વિદેશોમાં કરોડો રૂપિયા મોકલવામાં આવતા હતા, જેનો કોઇ ધણી ન હતો.
આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે આ પૈસા બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગના છે. જે બાદ પોલીસે બનાસકાંઠા જિલ્લામાં કાર્યવાહી કરતા ઘણા મોટા માથાઓની અટકાયત કરી હતી.જે બાદ પોલીસને ડબ્બા ટ્રેડિંગના આખા ધંધાની મોડસ ઓપરેન્ડી હાથ લાગી હતી જેમાં દૂબઇ બેઠેલો ડબ્બા કિંગ દીપક બનાસકાંઠા તથા પાટણમાં વર્ચ્યુઅલ આઇડી દ્વારા ડબ્બા ટ્રેડિંગ અને આઇપીએલનો સટ્ટો રમાડતો હતો.જેમાં 25 જાતના જુગાર પણ રમાડવામાં આવતા હતા. જેમાં આઇડી પર ક્રિકેટ, લુડો, પોકર, રમી, તીન પત્તિ સહિત અલગ અલગ પ્રકારનો ઓનલાઇન જુગાર રમાડવામાં આવતો હતો. દીપકના પરિવારની પોલીસે પૂછપરછ કરતા ડબ્બા કિંગ દીપકે તેના પરિવારને દૂબઇ બોલાવી લીધો હતો.
ત્રણથી ચાર પ્રકારની વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરવામાં આવતી હતી જેમાં એક કરોડની આઇડીને માસ્ટર આઇડી કહેવાતી હતી, જેની નીચે પેટા વર્ચ્યુઅલ આઇડીઓ ઓપરેટ થતી હતી જેમાં એક લાખ, બે લાખ અને પાંચ લાખ જેવી આઇડીઓ હતી. લોકોને લલચાવી આ આઇડીથી જુગાર રમાડવામાં આવતો હતો અને આ આઇડીઓની ખાસિયત એ હતી કે 90 ટકા લોકો આ ગેમમાં પૈસા લગાવીને હારતા હતા.
આ રેકેટમાં ઊંઝા, ડીસા અને થરાદમાં ભારતના સૌથી મોટા બુકી છે. જીતુ થરાદ અને અમિત ઊંઝા જેવા બુકીઓ કોડવર્ડથી સટ્ટાના નેટવર્ક સાથે કનેક્ટ છે. સામાન્ય ફોનથી શરૂ થયેલું સટ્ટાનું રેકેટ હવે એપ્લિકેશન, હવાલા સુધી પહોંચી ગયું છે. આ એપ્લિકેશન પણ બુકીનાં માણસો ઓપરેટ કરતા હોય છે. જેમાં બુકીનો એક માણસ સ્ટેડિયમમાં બેસીને મેચ જોતો હોય અને ભાવ બોલતો હોય છે તે પણ એપ્લિકેશનમાં ઓન એર થતું હોય છે. જ્યારે ટીવી પર ટેલિકાસ્ટ થતી મેચમાં 1 બોલ ડીલે હોય છે. હવે ઓનલાઇન ટ્રાન્જેક્શન અને હવાલા, ક્રિપ્ટો કરન્સીમાં પણ બુકીઓ પૈસા વસુલ કરી રહ્યાં છે.