ટીમ ઈન્ડિયાનું નવું મિશન આજથી શરૂ થવા જઈ રહ્યું છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. આ માટે જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે. સાથે જ તે ચાર ખેલાડીઓ પણ તૈયાર છે, જેમને પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની તક મળી શકે છે. રિંકુ સિંહ અને જીતેશ શર્માને પ્રથમ વખત ભારતીય ટીમ માટે રમવાની તક મળશે, જ્યારે શાહબાઝ અહેમદ અને પ્રસિદ્ધ ક્રિષ્ના આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યા છે પરંતુ હજુ સુધી તેમની T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાનું બાકી છે. દરમિયાન, બધાની નજર સાંજે સાત વાગ્યા પર ટકેલી છે જ્યારે કેપ્ટન જસપ્રિત બુમરાહ ટોસ માટે મેદાનમાં ઉતરશે અને ત્યારે તેઓ આજે ડેબ્યુ કરનાર ખેલાડીઓના નામ જણાવશે.
રિંકુ સિંહને આજે જ મળી શકે છે ડેબ્યૂ કરવાની તક
ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડી એવા છે જેઓ T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. પરંતુ કેપ્ટન જસપ્રીત બુમરાહ પહેલી જ મેચમાં એકસાથે બધાનું ડેબ્યૂ કરાવે તેવી શક્યતા ઘણી ઓછી છે. રિંકુ સિંહ અને જીતેશ શર્માએ જે રીતે IPLમાં પોત-પોતાની ટીમો માટે શાનદાર પ્રદર્શન કર્યું છે, તે પછી તેમની ટીમ ઇન્ડિયામાં જગ્યા બની છે. અત્યારે એવી અપેક્ષા છે કે રિંકુ સિંહ પહેલી જ મેચમાં ડેબ્યૂ કરી શકે છે, પરંતુ જીતેશ શર્માને રાહ જોવી પડી શકે છે. તે વિકેટ કીપર બેટ્સમેન છે અને ટીમ પાસે પહેલાથી જ સંજુ સેમસનના રૂપમાં પ્રથમ પસંદગીનો વિકેટ કીપર બેટ્સમેન છે. આવી સ્થિતિમાં જીતેશ શર્માને બહાર રાખીને સંજુ સેમસનને આજની મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવે તેવી શક્યતા છે.
પ્રસિદ્ધ કૃષ્ણા લગભગ એક વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે
આ પછી, જો આપણે પ્રસિદ્ધ કૃષ્ણા અને શાહબાઝ અહેમદની વાત કરીએ તો, આ બંને પહેલા ભારત માટે રમી ચુક્યા છે, પરંતુ T20 માં ભારતીય ટીમ માટે રમ્યા નથી. જ્યાં સુધી આ બંનેના ડેબ્યૂની વાત છે તો માનવામાં આવે છે કે કેપ્ટન જસપ્રિત બુમરાહની સાથે અર્શદીપ સિંહ બીજા ફાસ્ટ બોલર હશે અને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી શકે છે. બીજી તરફ સ્પિનરોની વાત કરવામાં આવે તો વોશિંગ્ટન સુંદર સ્પિન ઓલરાઉન્ડર તરીકે રમશે અને રવિ બિશ્નોઈ બીજા સ્પિનર બની શકે છે. આવી સ્થિતિમાં શાહબાઝ અહેમદને T20 ઈન્ટરનેશનલ કેપ માટે થોડા દિવસો રાહ જોવી પડી શકે છે.
આયર્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા સ્ક્વોડ: જસપ્રિત બુમરાહ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને અવેશ ખાન.