કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ચિંતાજનક અહેવાલ પ્રમાણે દેશમાં ૧લી એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં વરસાદી દુર્ઘટનાઓમાં ૨૧૦૦ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને ૧૦૧ હજુય લાપતા છે. અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ, ભૂસ્ખલન અને વીજળી પડવાથી કેટલાય લોકોને ઈજા પહોંચી હતી. હજુય પંજાબ, હિમાચલ પ્રદેશમાં ભયાનક પૂરથી વિકટ સ્થિતિ થઈ ગઈ છે અને ઉત્તરાખંડમાં ફરીથી ભૂસ્ખલન થતાં ઘણાં લોકો બેઘર બન્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશના ૩૩૫ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદથી પૂર, ભૂસ્ખલન અને વીજળી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. સૌથી વધુ બિહારમાં ૫૧૮ લોકો વરસાદી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ૩૩૦ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ૧૦૧ લોકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી અને ૧૫૮૪ લોકોને ઈજા પહોંચી હતી. મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદી દુર્ઘટનાઓ નોંધાઈ છે. દેશમાં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ૮૯૨ લોકો પૂરમાં તણાઈને મૃત્યુ પામ્યા હતા. ૫૦૬ લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા. ભૂસ્ખલનની ઘટનાઓમાં ૧૮૬ લોકોનો ભોગ લેવાયો હતો. એ સિવાયની વરસાદી ઘટનાઓમાં જેવી કે અતિ ભારે વરસાદથી દિવાલ ધસી પડવી વગેરેમાં ૪૫૪ લોકોનાં મોત નોંધાયા હતા.
દરમિયાન પંજાબમાં અતિ ભારે વરસાદ અને પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. પૂર પ્રકોપ જે વિસ્તારોમાં સર્જાયો છે તે વિસ્તારમાં મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી. હોશિયારપુરમાં તો ખુદ મુખ્યમંત્રી માને હોડી લઈને રેસ્ક્યૂ ઓપરેશનમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ નુકસાનીનો સર્વે શરૂ કરાવવાની જાહેરાત કરી હતી. સતલજ નદીના ભાખડા ડેમમાં જળસ્તર ૧૬૭૬ ફૂટની સપાટી પાર કરી ગયું હોવાથી એના પાટિયા ખોલવામાં આવ્યા હતા. બ્યાસ નદી પર પોંગ ડેમમાં જળસ્તર ૧૪૦૦ ફૂટ નોંધાઈ હતી. ભાખડા અને પોંગ ડેમના પાટિયા ખોલવાથી ૨૫ ગામડાં ડૂબાણમાં આવી ગયા હતા. પાંચ જિલ્લાના લોકો અસરગ્રસ્ત બન્યા હતા. ૩૦૦૦ કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. મોટાભાગના લોકોના ઘરોમાં પાંચથી આઠ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. કેટલાય ગામોમાં તબાઈ સર્જાઈ ગઈ હતી અને હજારો લોકોને રાહત કેંપોમાં આશરો આપવામાં આવ્યો હતો. ફિરોઝપુરમાં પાણીનો કેર વર્તાતા શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી અને શાળાઓને રાહત કેમ્પોમાં ફેરવાઈ હતી. કપૂરથલા જિલ્લામાં એનડીઆરએફની ટીમે ૨૨ ગામડાંમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને નીચાણવાળા વિસ્તારમાંથી ૩૦૦ લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. કપૂરથલા ઉપરાંત હોશિયારપુર, ગુરુદાસપુર, રૂપનગરના ગામડાઓમાં પણ પૂરપ્રકોપ સર્જાયો હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.
પહેલી વખતઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહેશે
ભારત એક સદી કરતાં પણ વધુ સમયમાં પહેલી વખત એવી શક્યતા છે કે આ ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહેશે. સામાન્ય રીતે અલ નીનો હવામાન વિભાગની પેટર્ન પ્રમાણે ઘણાં વિસ્તારોમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ૧૯૦૧માં રેકોર્ડ શરૂ થયો ત્યાર પછી આ ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે. આ સાથે ચોખાથી લઈને સોયાબીન સુધીના ઉનાળુ પાકોના ઉત્પાદનમાં તેની અસર પડી શકે છે અને નુકસાન થઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં દક્ષિણ,પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદ નોધપાત્ર રીતે ઘટે તેવા આસાર છે. અધિકારીએ વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી થયેલા વરસાદ અને મહિનાના બાકીના દિવસોના આધાર પર ભારતમાં આ મહિને સરેરાશ ૭ ઈંચથી ઓછા વરસાદની સંભાવના છે. ભારતમાં ઓગસ્ટથી પહેલા ૧૭ દિવસોમાં માત્ર ૩.૬ ઈંચ વરસાદ થયો હતો, જે સામાન્યથી લગભગ ૪૦ ટકા ઓછો છે.






