વાદળો ફાટવાથી અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી ઘટનાઓથી ભયંકર તારાજી ભોગવી રહેલા હિમાચલ પ્રદેશમાં સ્ટેટ હોનારત જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. રાજયના મુખ્યમંત્રી સુખવિંદરસિંઘ સુખૂએ જણાવ્યું હતું કે કુદરતી ઘટનાક્રમથી ભયંકર તારાજી સર્જાઈ હોવાને ધ્યાને રાખીને રાજય સરકારે ‘રાજય આફત’ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
એનડીઆરએફની ટીમ દ્વારા સીમલાનાં સમર હીર વિસ્તારમાં રેસ્કયુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ભૂસ્ખલનની ઘટના બાદ 21 લોકો લાપતા બન્યા હતા.તેમાંથી 13 લોકોનાં મૃતદેહો મળી આવ્યા હતા. બચાવ કામગીરીમાં સૈન્યની મદદ પણ લેવામાં આવી છે. તેઓએ કહ્યું કે સિમલા પરવાનું નેશનલ હાઈવે ભૂસ્ખલન બાદ બંધ કરાયો હતો ત્યાં હવે વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે.રાજયના વિવિધ ભાગોમાં બંધ પડેલા માર્ગો વહેલીતકે રીપેર કરીને ખુલ્લા મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીનાં કહેવા પ્રમાણે કુદરતી આફતમાં રાજયને 10000 કરોડનુ નુકશાન છે. સિમલામાં શિવમંદીર દુર્ઘટનાનો મૃત્યુઆંક 14 થયો છે. પ્રો.પી.એલ.શર્મા નામના વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો તેઓ હિમાચલ પ્રદેશ યુનિ.નાં મેથ્સ વિભાગનાં વડા હતા. તેમનાં પત્નિનો મૃતદેહ બે દિવસ પૂર્વે મળ્યો હતો. 8 થી 10 લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની શંકા છે. દરમ્યાન ઉતરાખંડમાં કુદરતી કોપ યથાવત રહ્યો હોય તેમ દહેરાદુન જીલ્લામાં વધુ એક મોટા ભુસ્ખલનનો બનાવ બન્યો હતો તેમાં 12 મકાનો દટાઈ જતા 80 થી વધુ લોકો ઘરવિહોણા બન્યા હતા. વિજ પૂરવઠો પણ ખોરવાયો હતો.
બદ્રીનાથ હાઈવેનો ભાગ 3 ફૂટ નીચે સરકી ગયો
હિમાચલ-ઉતરાખંડમાં વરસાદી કહેરથી માલ-મિલકતને ભારે તારાજી થઈ છે ત્યારે પુરસરીથી મૈથાનાં વચ્ચેના બદ્રીનાથ હાઈવે પરની તિરાડો વધુ પહોળી થઈ ગયાનું બહાર આવ્યું છે. સ્થાનિક લોકોના દાવા પ્રમાણે રસ્તાનો કેટલોક ભાગ 3 ફૂટ જેટલો નીચે બેસી ગયો છે. ભારે વરસાદ તથા ભુસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવેને વ્યાપક નુકશાન થયુ છે. નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા રીપેરીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જોકે ટ્રાફીકને ચાલૂ કરી દેવાયો હતો. હાઈવે ઓથોરીટીના ડીજીએમ શૈલેન્દ્રકુમારે એવો દાવો કર્યો કે જે ભાગમાં રસ્તો બેસી ગયો છે તે ચિંતાજનક નથી. અને ભુતકાળમાં પણ આવુ બન્યુ હતું. પાંચ વર્ષ પુર્વે રોડસાઈડ દિવાલ બનાવાઈ હતી તે અલખનંદા નદીના પુરના પાણીમાં ઘસી જતા રસ્તો નીચે ઉતરી ગયો છે.






