અમદાવાદના વાસણા અને વસ્ત્રાપુર વિસ્તારમાં આ ગેન્ગ સરનામું પૂછવાના બહાને સીનિયર સિટિઝનને ટાર્ગેટ બનાવીને તેમના સોનાના દાગીના ઉતારીને ફરાર થઇ જતા હતા.મંદિરના પૂજારી કે પછી દરગાહના ખાદીમ બનીને વૃદ્ધ લોકો સાથે ઠગાઈ કરતા હતા. ઝોન 7 એલસીબીએ બાઇક નંબરના આધારે આ ત્રિપુટી ગેન્ગને ઝડપી લીધી હતી. પોલીસ પૂછપરછમાં વધુ 8 ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તેઓ વૃદ્ધ લોકોને નિશાન બનાવતા હતા, હિન્દૂઓ માટે પાવાગઢના પૂજારી બની જતા હતા અને મુસ્લિમો માટે ગરીબ નવાઝની દરગાહના ખાદીમ બનીને ટાર્ગેટ કરતા હતા. આ ઠગ ટોળકી સુરતની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બાઇક પર સાસુ, સસરા અને જમાઇ નીકળતા હતા. સોનાના દાગીના પહેરેલી વૃદ્ધ મહિલા કે પુરૂષને શર્માના નામનું દવાખાનાનું સરનામું પૂછતા હતા અને પોતાને પૂજારી કે ખાદીમની ઓળખ આપીને અંધશ્રદ્ધાની વાતો કરીને વિશ્વાસ કેળવતા હતા. આ ટોલકી સોનાના દાગીના કઢાવીને રૂમાલ કે પર્સમાં મુકાવીને દૂધથી ધોઇને પહેરવાની સલાહ આપતા હતા. તે બાદ આ ત્રિપુટી ભગવાનના દર્શન કરવા માટે નજીકના કોઇ ઝાડ કે થાભલાને અડવા મોકલતા હતા અને દાગીના લઇને ફરાર થઇ જતા હતા.
છેલ્લા 3 વર્ષથી આ ટોળકી સક્રિય હોવાનું તપાસમાં ખુલ્યું છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં ઠગાઇ અને ચોરીને લઇને આ ત્રિપુટી સામે 8 ગુના નોંધાયેલા છે. વાસણા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.





