સુરત પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ અલગ અલગ વિભાગની ઓપીડી ક્યાં આવી છે તે અંગે માહિતગાર ન હોવાથી અટવાતા હોય છે. જેથી એક નવો પ્રયોગ હાથ ધરાયો છે. કેસ બારીથી અલગ અલગ ઓપીડી સુધી રંગીન પટ્ટા મારવામાં આવ્યા છે. જેના સહારે અજાણ વ્યક્તિ સરળતાથી ઓપીડી સુધી પહોંચી શકશે.
ભારે ઘસારો રહેતી સાત જેટલી ઓપીડી માટે કલર નક્કી કરવામાં આવ્યા છે. કેસ બારી પર કેસ કઢાવ્યા બાદ દર્દીને કયા વિભાગની ઓપીડીમાં જવાનું છે અને આ ઓપીડી કઈ જગ્યાએ છે, તે અંગે માહિતી ન હોય તો કેસ બારી પર હાજર સ્ટાફ ફક્ત કલરના પટ્ટાના આધારે જવાનું સુચન કરી દર્દીને ઓપીડી સુધી પહોંચાડી શકશે.સ્મીમેર હોસ્પિટલની આ સુવિધાના કારણે દર્દીઓની હાલાકીમાં ઘટાડો થશે અને દર્દી સરળતાથી જે ઓપીડીમાં બતાવવાનું હોય તે ઓપીડી સુધી પહોંચી જશે. પૂછપરછ બારી કે કેસ બારી પરથી જ જો કોઈ દર્દી પૂછે કે ક્યાં જવાનું છે તો તેમને માત્ર એટલું જ કહેવાનું કે આ રંગના પટ્ટા સાથે ચાલ્યા જાવ તમારી ઓપીડી આવી જશે.





