ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડતા 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. 6 મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. 7માંથી 6 ના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે મોડી રાત્રે લાવ્યા બાદ તેઓના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા અને સ્વજનો દ્વારા તેઓના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોતના વતન લાવી અંતિમ વિધિ કરાતા સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે.
અમદાવાદ ખાતે પ્રથમ ફ્લાઈટ મોડી રાત્રે આવી પહોંચી હતી. જેમાં કરણ ભાટી તથા અનિરુધ્ધ જોષીના મૃતદેહ સ્વજનોને રાત્રે 9:45 આસપાસ સોંપવામાં આવ્યા હતા. જ્યારે બીજી ફ્લાઈટ અમદાવાદ રાત્રે 11:45 એ આવી પહોંચી હતી, જેમાં મહુવા તાલુકાના દક્ષાબેન મહેતા તથા ગણપતભાઇ મહેતાના મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. તો ત્રીજી ફ્લાઈટ અમદાવાદ ખાતે મોડી રાત્રે 1:45 આવી હતી, જેમાં તળાજા તાલુકાના રાજેશભાઇ મેર તથા ગીગાભાઇ ભમ્મરના મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. તમામ મૃતકોના સ્વજનો અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને વતન આવ્યા હતા અને વહેલી સવારે તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
કઠવા ગામના માજી સરપંચે જણાવ્યું હતું, રાજુભાઇ સરંપચ હતા ત્યારે એમણે ખુબ સારા કામ કર્યા છે. ખાસ તો ગામના બાળકોને ભણાવવા પર જોર આપ્યું હતું. સરકારને મારે કહેવું છે કે, તેમના બાપુ કોરોનામાં ઓફ થઇ ગયા છે. આખુ ઘર તેમના પર ચાલતું હતું. તેમના બાળ બચ્ચાને સરકાર સહાય આપે એવી માંગ છે. કઠવા ગામના ભાવસંગભાઇએ જણાવ્યું હતું કે, રાજુભાઇ ખુબ માણસ સારા હતા. જેઓ ગામના માજી સરપંચ પણ રહી ચૂક્યા છે. એમને એક દીકરો અને બે દીકરીઓ છે. દીકરો તો સાવ ત્રણ ચાર વર્ષનો જ છે. ત્રણેય બાપથી નોંધારા થઇ ગયા. ત્રણેય બાળકોને જલ્દીથી સરકારની રાહત મળે એવી આશા છે.
પાલિતાણાના કરણજી ભાટીની અંતિમયાત્રામાં ભારે આક્રંદ છવાયો હતો. ઉત્તરાખંડથી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી પાલિતાણા પોતાના વતનમાં કરણજી ભાટીનો મૃતદેહ લવાતા સમગ્ર ગામની આંખો ભીની થઇ ગઇ હતી. 29 વર્ષીય કરણજી ભાટીનું અકાળે અવશાન થતાં પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. કરણજી ભાટી ત્રણ સંતાનના પિતા હતા. બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.





