સાળંગપુર હનુમાનજીનું પ્રસિદ્ધ સ્થાનક સમસ્ત સનાતન ધર્મના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે પરંતુ તાજેતરમાં સાળંગપુરમાં સ્થાપિત કરાયેલ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે ગેલેરી બનાવાઇ છે જેમાં રામભક્ત હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવતા ચિત્રો મુકાતા ફરી એક વખત સનાતન ધર્મ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ધાર્મિક માન્યતાને લઇને વિવાદ સળગ્યો છે. છેલ્લા પાંચ-સાત દિવસથી સોશિયલ મીડિયા મારફત અસંખ્ય લોકો દ્વારા નારાજગી પ્રગટ થઇ છે.
આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના બોટાદના અધ્યક્ષ સાળંગપુર હનુમાનજી મંદિરે દોડી ગયા હતા અને મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીને મળી સહજાનંદ સ્વામી સામે હનુમાનજી હાથ જાડી નમસ્કાર મુદ્રામાં જે ભીતચિત્રો કંડારમાં આવ્યા છે તે દુર કરવા રોષપૂર્ણ રજૂઆત કરી હતી. વિહીપ જિલ્લા અધ્યક્ષ સતુભાઇ ધાધલએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ વિવાદિત ભીતચિત્રો દૂર કરવા મંદિરના કોઠારી સ્વામીને જણાવતા તેમણે વડતાલ બોર્ડમાં આ સમગ્ર મુદ્દો રજૂ કરી વહેલીતકે નિર્ણય કરાશે તેવી બાહેધરી આપી છે. દરમિયાનમાં જાણવા મળતી વિગતો મુજબ હાલમાં વિવાદ સર્જતા આ ભિતચિત્રો ઢાંકી દેવામાં આવ્યા છે.
સાળંગપુરથી સળગેલો આ વિવાદ ધીમે ધીમે આગળ ધપી રહ્યો છે અને સિહોરમાં પણ ગઇકાલે સનાતન ધર્મ સેવા સમિતિના સભ્યો દ્વારા સિહોર પોલીસને અરજી આપી સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની નીચે ગેલેરીમાં દર્શાવાયેલ ભિતચિત્રોથી લાગણી દુભાય હોવાનું જણાવી સ્વામીનારાયણ સાધુ સામે વિવિધ કલમો તળે ગુનો નોંધવા માંગ કરી હતી.