ગુજરાતની 31 જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઇને મદદનીશ વિકાસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવશે.
વિકાસ કમિશનર સંદીપ કુમારે ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણીને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. 13 અને 14 સપ્ટેમ્બરે પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવશે. પ્રથમ દિવસે 16 જિલ્લા પંચાયતમાં હોદ્દેદારો નીમાશે જ્યારે 14 સપ્ટેમ્બરના રોજ 15 જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી થશે.
—–
ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં વધુ 12 વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં કાર્યવાહી
સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અત્યાર સુધી 60 જેટલા નોકરિયાત ઉમેદવારોના નામ ખુલ્યા છે
ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચના કાચબા ગતિએ ચાલતી તપાસ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં વધુ 12 નોકરિયાત ઉમેદવારો હાજર થયા છે અને તમામ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અત્યાર સુધી 60 જેટલા નોકરિયાત ઉમેદવારોના નામ ખુલ્યા છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચ હજુ સુધી માત્ર 24 જેટલા ઉમેદવારો સુધી પહોંચી શકી છે. ધીમી ગતિએ ચાલતી તપાસ પર રાજકીય પ્રેશર હોય કાં તો પોલીસ જ ઉમેદવારોને કોર્ટ સુધી પહોંચવા છૂટ આપી રહી હોય એવા આક્ષેપો લાગી રહ્યા છે.
ઉર્જા વિભાગના UGVCL અને PGVCLની અલગ અલગ કચેરીમાં ફરજ બજાવતા 12 જેટલા કર્મચારીઓ સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થયા હતા. આ ૧૨ ઉમેદવારોમાં ૭ મહિલા પણ સામેલ છે. આ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર ગુજરાતમાં તપાસ કરી ૧૧ જેટલા ઉમેદવારોને ઝડપી પાડયા હતા. ઉલ્લેખનીય છે કે, 10થી 12 લાખ રૂપિયાની રકમમાં ઉમેદવારની નોકરીનું સેટિંગ પાડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી. સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં ફક્ત 24 એજન્ટ આરોપીઓની ધરપકડ થઈ છે અને માત્ર 13 જ નોકરીએ લાગેલા ઉમેદવારોની ધરપકડ થઇ હતી. અંદાજે 200 જેટલા અન્ય સેટિંગબાજ ઉમેદવારો આ કૌભાંડમાં સામેલ હોવાનું મનાય છે.