ટેક જાયન્ટ ગૂગલ તરફથી એન્ડ્રોઈડને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ગૂગલે એન્ડ્રોઇડ લોગોને નવી ડિઝાઇન આપી છે. કંપનીએ લગભગ 4 વર્ષ પછી એન્ડ્રોઇડનો લોગો બદલ્યો છે. આ પહેલા 2019માં એન્ડ્રોઈડના લોગોમાં બદલાવ કરવામાં આવ્યો હતો. એન્ડ્રોઇડ લોગોને બદલવાની સાથે, ગૂગલ સ્માર્ટફોન યુઝર્સ માટે કેટલાક નવા ફીચર્સ પણ રોલ આઉટ કરી રહ્યું છે.
એન્ડ્રોઈડ વર્ઝન 14ના લોન્ચ પહેલા ગૂગલ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. કંપનીએ એન્ડ્રોઇડના જૂના લીલા રંગમાં ઘણા ફેરફારો કર્યા છે. ગૂગલ દ્વારા ડિઝાઇન કરાયેલા એન્ડ્રોઇડના નવા લોગોમાં A કેપિટલમાં દર્શાવવામાં આવ્યો છે. આ નવો લોગોને પહેલા કરતા વધુ કર્વ રાખવામાં આવ્યો છે.
એન્ડ્રોઇડનો રોબોટ હવે 3Dમાં
એન્ડ્રોઇડના જુના લોગોમાં જોવા મળતો રોબોટ હવે નવી ડિઝાઇન સાથે 3D ફોર્મેટમાં આવી ચુક્યો છે. પહેલા રોબોટનું માત્ર માથું જ દેખાતું હતું પરંતુ હવે રોબોટનું આખું શરીર દેખાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે 2019 સુધી એન્ડ્રોઈડ વર્ઝનના નામ મીઠાઈના નામ પર રાખવામાં આવતા હતા પરંતુ બાદમાં તેને અંકોના નામ આપવા લાગ્યા.
ગૂગલના નવા અપડેટ્સની સાથે, ગૂગલ એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવા ફીચર્સ પણ રોલઆઉટ કરી રહ્યું છે. કંપનીએ એન્ડ્રોઇડમાં એટ અ ગ્લાન્સ વિજેટ ઉમેર્યું છે. આમાં યુઝર્સને ટ્રાવેલ અપડેટ્સ અને હવામાન સંબંધિત માહિતી મળશે. ગૂગલ ભવિષ્યમાં તેના યુઝર્સને એન્ડ્રોઇડ ઓટોમાં મોટા ફીચર્સ આપવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે ટૂંક સમયમાં જ યુઝર્સને એન્ડ્રોઇડ ઓટોમાં ઝૂમ સપોર્ટ આપવામાં આવશે.






