જિલ્લાના વિવિધ ગોડાઉનમાંથી અનાજ, ખાંડ, સીંગતેલ-મીઠું સહિત તહેવાર નિમિત્તે તમામ જરુરી આવશ્યક જથ્થો વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે કરાઈ
ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગે આ મહિનાની શરૂઆતના દિવસોમાં જ સાતમ-આઠમના તહેવારોની જાહેર રજાઓના દિવસે પણ જાહેર વિતરણ વ્યવસ્થા સરકારી વાજબી ભાવની દુકાનો પરથી ચાલુ રાખી હતી. નર્મદા જિલ્લાના વિવિધ ગોડાઉનમાંથી અનાજ, ખાંડ, સીંગતેલ-મીઠું સહિત તહેવાર નિમિત્તે તમામ જરુરી આવશ્યક જથ્થો પણ
સંચાલકોને મળી રહે તે માટે સતત મોડીરાત સુધી ગોડાઉન અને મામલતદાર કચેરીઓએ સાથે સંકલન કરીને રેશનનો જથ્થો પહોંચાડી વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પૂરવઠા અધિકારી, તમામ તાલુકા મામલતદારઓ સતત સંકલન કરી સરકારી વાજબી ભાવની દુકાને જરૂરી આવશ્યક જથ્થો પહોંચાડી વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઇ પણ ગરીબ અંત્યોદય- બીપીએલ કે NFSA કાર્ડધારક સાતમ આઠમના તહેવારો સારી રીતે ઉજવી શકે અને જથ્થાથી વંચિત ન રહે તેની સતત દેખરેખ રાખવામાં આવી હતી.
રાજ્ય સરકારના અન્ન, નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા સતત સમીક્ષા હાથ ધરી આ બાબતે લોકો ઉત્સાહભેર તહેવારોની ઉજવણી કરી શકે તે માટે કાર્યવાહી કરેલ છે. છેલ્લા બે દિવસથી મહિનાના શરૂઆતના દિવસો હોવા છતાં પણ દુકાનોમાં વધુ ઝડપથી લોકોને અનાજનો જથ્થો મળી રહે તે માટે તંત્ર સતર્ક રહી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.