ભાવનગરના ભરતનગર, માલધારી સોસાયટીમાં રહેતા યુવકને મોટરસાઇકલ ફાસ્ટ ચલાવવા બાબતે આ જ વિસ્તારમાં રહેતા ચાર શખ્સ દ્વારા માર મારી છરી વડે જીવલેણ હુમલો કરવાની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે.હુમલો કરી યુવકનું મોટ નિપજાવનાર હત્યારાઓને ઝડપી લઈ કાર્યવાહી કરવા મૃતકના સંબંધીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ભરતનગર, માલધારી સોસાયટીમાં રહેતો યુવક કૌશિક વાજુરભાઈ મેર બે દિવસ પહેલા મોડી રાત્રિના તેનું મોટરસાઇકલ લઈને તેના ઘરે આવી રહ્યો હતો ત્યારે માલધારી સોસાયટીમાં ઘર પાસે બેઠેલા મેહુલ બોઘાભાઈ બામ્બા, ગોપાલ બોઘાભાઈ બાંબા, જીતુ મેરાભાઇ બાંબા અને પીન્ટુ મેરાભાઇ બાંબાએ તેમનું મોટરસાયકલ આડુ રાખી કૌશિકને અટકાવ્યો હતો અને તું કેમ તારું મોટરસાઇકલ ફાસ્ટ ચલાવે છો ? એમ કરીને ગાળો આપી ધોલ ધપાટ કરી માર માર્યો હતો તેમજ પીન્ટુ બામ્બાઈએ છરીનો એક ઘા પેટના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવમાં ઈજા ગ્રસ્ત કૌશિકભાઈને સારવાર અર્થે ૧૦૮ દ્વારા સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
આ બનાવ અંગે ભરતનગર પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે





