ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની અઢી વર્ષની ટમ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વર્ણી માટે આજે જિલ્લા કલેકટર આર.કે મહેતાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં ભાજપ તરફી પ્રમુખ અને ઉપપ્રમુખનો બહુમતીથી વિજય થયો હતો.
ભાવનગર જિલ્લા પંચાયતની પ્રમુખ તથા ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થયા બાદ બીજા અઢી વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરવા માટે આજે જિલ્લા કલેકટર આર કે મહેતાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં ભાજપ તરફથી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ પદ મહિલા અનામત હોય સણોસરા બેઠક પરથી વિજેતા થયેલા રૈયાબેન મૂળજીભાઈ મિયાણીના નામની દરખાસ્ત કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ માટે સરતાનપર બેઠક પરથી વિજેતા થયેલ વિક્રમભાઈ નાનજીભાઈ ડાભીના નામની દરખાસ્ત કરવામાં આવી હતી.જ્યારે વિરોધ પક્ષે આમ આદમી પાર્ટીમાંથી વિજેતા બનેલા મહિલા લાભુબેન નરસીભાઈ ચૌહાણએ ફોર્મ ભર્યું હતું અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસના બળદેવભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં બહુમતીથી ભાજપના સણોસરા બેઠક પરના રૈયાબેન મૂળજીભાઈ મિયાણીને ભાવનગર જિલ્લા પંચાયતના 22માં પ્રમુખ પદે વિજેતા જાહેર કરાયેલ જ્યારે ઉપપ્રમુખ પદે વિક્રમભાઈ નાનજીભાઈ ડાભી વિજેતા થયેલ.
આજની ભાવનગર જિલ્લા પંચાયતની પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી બેઠકમાં કોંગ્રેસના ચૂંટાયેલા 8 સભ્યો પૈકી બે સભ્યો ગેરહાજર રહ્યા હતા અને માત્ર છ સભ્યો જ હાજર રહ્યા હતા જ્યારે ભાજપના તમામ 31 અને આમ આદમી પાર્ટીના એક મળી કુલ 40 માંથી 38 સભ્યો હાજર રહ્યા હતા આજે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટાયેલા સભ્યોને દરેક સભ્યો તથા અધિકારીઓ અને કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી