સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગત ચૂંટણીમાં કચ્છ જિલ્લાની ૧૦ તાલુકા પંચાયત પૈકી અબડાસા અને લખપત તાલુકા પંચાયતને બાદ કરતા આઠ તાલુકા પંચાયત કબ્જે કરવામાં ભાજપને સફળતા મળી હતી જેનો વસવસો ભાજપને રહી જતા આ બંને તાલુકા પંચાયત પણ કબ્જે કરવા મન મનાવી લીધું હોય તેમ માત્ર અઢી વર્ષના ગાળામાં જ બંને તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.
પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા જ અબડાસા લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખને બદલે સતા જ પલટી ગઈ છે. બંને તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોની બહુમતિ હોવા છતા પણ ભાજપના રાજકીય ભાંગફોડના પ્રયાસો સફળ રહેતા ખુદ કોંગ્રેસના સભ્યોએ જ ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરી દેતા આજે બંને તાલુકા પંચાયતો કોંગ્રેસે ગુમાવી દેતા હવે કચ્છની તમામ ૧૦ તાલુકા પંચાયત ઉપર કેસરીયો લહેરાઈ ગયો છે. આમ, કચ્છમાં હવે સ્થાનિક સ્વરાજ્યથી માંડીને લોકસભા સીટમાં ભાજપનો દબદબો જોવા મળે છે.
તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી હોવાથી એકાદ મહિના પહેલા જ ભાજપે અબડાસા અને લખપત તાલુકા પંચાયત કબ્જે કરવાના પ્રયાસો હાથ ધરી દીધા હતા. જેને પામવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. ડેમેજ કંટ્રોલ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહેતા કોંગ્રેસના નારાજ સભ્યોને મનાવી શકાયા ન હતા. બીજીતરફ, આજે અબડાસા લખપત તાલુકા પંચાયતમાં ભાજપની જીત બાદ કોંગ્રેસના સૃથાનિક આગેવાનો પણ ઉજવણીમાં સામેલ થતા ઘર ફુટે ઘર જાય તેવી સ્થિતીનો પણ ખ્યાલ આવી ગયો હતો. બંને તાલુકા પંચાયતોમાં ભાજપની જીત અને કોંગ્રેસની હારે કદાચ આગામી લોકસભાની ચૂંટણીમાં કેસરીયા પક્ષનો વિશ્વાસ વધુ મજબુત બનાવી દીધો છે જ્યારે કોંગ્રેસે આત્મમંથન કરવાની ખાસ જરૃર છે.
કોગ્રેસ લખપતના બે સભ્ય દિનેશ સાથવારા તાથા ભાડરા સીટના સભ્ય બચીબેન ખેંગાર રબારીએ ભાજપ તરફી મતદાન કર્યુ હતુ. તો અબડાસાના મહાવીરસિંહ જાડેજા તાથા પુરબાઇ અબ્બાસ માંજોઠીયા એ ભાજપ તરફી મતદાન કર્યુ હતુ. તો કોગ્રેસના સભ્ય શિવજી મહેર્શ્વરી પ્રક્રિયા દરમ્યાન ગેરહાજર રહ્યા હતા. જેને કારણે ભાજપે બાકી રહેતી બે પંચાયત પર પણ સત્તા મેળવી હતી. જીત બાદ કાર્યકરોમાં ભારે ઉત્સાહ હતો.