એશિયા કપ 2023માં ગુરુવારે (14 સપ્ટેમ્બર) પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કરો અથવા મરો મેચ રમાવાની છે. જે પણ ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યાં તેનો મુકાબલો ટાઈટલ માટે ભારતીય ટીમ સાથે થશે. જ્યારે હારેલી ટીમની સફરનો અંત આવશે. જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો તે સ્થિતિમાં બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. જો મેચ રદ્દ થશે તો બંને ટીમનો નેટ રન રેટ જોવા મળશે. આ સ્થિતિમાં શ્રીલંકા જીતીને સરળતાથી ફાઇનલમાં પ્રવેશ કરશે. કારણ કે શ્રીલંકાની ટીમનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા સારો છે.
હાર બાદ પાકિસ્તાનની ટીમ સંપૂર્ણ તૂટી ગઈ છે. શ્રીલંકા સામે પાકિસ્તાનના પ્લેઇંગ-11માં એક-બે નહીં, પરંતુ 5 ફેરફારો થયા છે. એટલે કે અડધી પ્લેઇંગ-11 બદલાઈ ગઈ છે. શ્રીલંકા સામેની મેચ માટે પાકિસ્તાનના પ્લેઈંગ-11માંથી ફખર જમાન, આગા સલમાન, ફહીમ અશરફ, નસીમ શાહ અને હારીસ રઉફને બહાર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મોહમ્મદ હરિસ, સઈદ શકીલ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર અને જમાન ખાનને જગ્યા મળી છે. ફખર ઝમાનની જગ્યાએ મોહમ્મદ હારિસ ઓપનિંગની આગેવાની કરતો જોવા મળશે. જ્યારે સઈદ શકીલ અને સ્પિન ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ મિડલ ઓર્ડરની બાગડોર સંભાળશે. નસીમ અને હરિસની જગ્યાએ ઝડપી બોલર મોહમ્મદ વસીમ જુનિયર અને જમાન ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 22 વર્ષીય જમાનની વનડેમાં ડેબ્યૂ મેચ હશે.