ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. જેનો સરકારે જવાબ રજૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિધાનસભા સત્ર દરમિયાના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજ્ય શિક્ષણ વિભાગ પાસે રાજ્યની ખાનગી શાળામાં લાયકાત ન ધરાવતા કેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે, તે બાબતે જવાબ માગ્યો હતો. સરકારે જ્યારે જવાબ રજૂ કર્યો ત્યારે કડવી વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યના 12 જિલ્લામાં 760 ખાનગી શાળામાં 1885 જેટલા લાયકાત વિનાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાાં 306 જેટલા લાયકાત વિનાના શિક્ષકો શાળામાં ફરજ બજાવે છે.
રાજ્ય સરકારે લાયકાત વિનાના શિક્ષકો ફરજ બજાવવા બાબતે જવાબ આપતા જણાવ્યું છે કે, તાલીમવાળા શિક્ષકો ન મળવાના કારણે લાયકાત વિનાના શિક્ષકો ફરજ બજાવતા હતા. જો કે, સરકાર જવાબમાં લાયકાત વિનાના શિક્ષકોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધર્યાનું સ્વિકાર્યુ છે. ખાનગી શાળાઓ વિશ્વાસ મુકીને વાલીઓ ઉચી ફી ભરીને બાળકોને પ્રવેશ અપાવે છે ત્યારે શિક્ષકોને ઓછા પગાર આપવો પડે તે માટે ખાનગી શાળાઓ દ્વારા લાયકાત ન ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે.
શહેરી વિસ્તાર અને હવે ગ્રામિણ વિસ્તારમાં પણ વાલીઓ સરકારી શાળાના સ્થાને ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ કરાવવા પર વધારે ભાર મુકી રહ્યા છે. પરંતુ વિધાનસભામાં જે માહિતી સામે આવી છે તેમાં ખાનગી શાળામાં શિક્ષણની ગુણવત્તા કેવી છે તેની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખાનગી શાળામાં મનફાવે તેટલી ફ્રી લેવામાં આવે છે પણ વિષયના નિષ્ણાત ન હોય તેવા શિક્ષકોની ભરતી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શાળાઓ ચેડા કરી રહી છે.



