મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના અમરગઢથી પાંચપીપલિયા વચ્ચે આજે સવારે લગભગ પોણા સાત વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. અહીં હઝરત નિઝામુદ્દીનથી મિરાજ જંકશન જતી દર્શન એક્સપ્રેસનું એન્જિન અને એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા અને પહાડી પરથી નાના પથ્થરો રેલ્વે ટ્રેક પર પડ્યા હતા, જેના કારણે આ ઘટના બની હતી. ઘટનાની માહિતી મળતાં જ રતલામ વિભાગના અધિકારીઓ રાહત ટ્રેન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવે પીઆરઓ ખેમરાજ મીણાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રેક લગભગ બંધ છે. ટ્રેક ખોલવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઘણી મહત્વની ટ્રેનો નજીકના સ્ટેશનો પર ઊભી છે. રાહત ટુકડીઓ ટૂંક સમયમાં ટ્રેક શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
માહિતી આપતા રેલ્વે અધિકારીએ જણાવ્યું કે રતલામ ડિવિઝનના રતલામ અને દાહોદ સેક્શનમાં ટ્રેન નંબર 12494 હઝરત નિઝામુદ્દીન-મિરાજ એક્સપ્રેસના કોચ અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. માહિતી મળતાની સાથે જ રતલામ વિભાગના અધિકારીઓ પુનઃસ્થાપન માટે સ્થળ પર પહોંચી ગયા હતા. કોઈ જાનહાનિ થઈ નથી. રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેનના સંચાલનને લગતી કામગીરી ચાલી રહી છે.