ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાએ મંગળવારે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી. જેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવા જણાવ્યું છે.
કેનેડાએ તેની પાછળ સુરક્ષાને કારણ ગણાવ્યું છે. અપડેટ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, “જમ્મુ અને કાશ્મીર ન જાવ કારણ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે.” કેનેડાએ આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમજ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. કેનેડાના આ ઉશ્કેરણીજનક પગલા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને આરોપોને વાહિયાત ગણાવ્યા છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢવામાં આવ્યા છે.
રૉયટર્સના અનુસાર ટ્રૂડોએ કહ્યું કે, ‘ભારત સરકારે આ મામલાને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે એવું જ કરી રહ્યા છીએ. અમે ઉકસાવી નથી રહ્યા કે તેને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરી રહ્યા.’ ટ્રૂડોએ નિજ્જરની હત્યા અને ભારત સરકારના એજન્ટ વચ્ચેની સંભવિત સંબંધમાં દાવો કર્યો છે.