વાયબ્રન્ટ ગુજરાત-2024ને લઈ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેને પગલે આજે વાયબ્રન્ટ ગુજરાત વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોગો તેમજ વેબસાઈટ અને એપ્લિકેશનનું લોંચિંગ કરવામાં આવ્યું હતુ. ગુજરાત ગ્લોબલ સમિટના રૂપે થયેલા MOUના પરિણામે આગામી વર્ષમાં 1,230 જેટલા રોજગાર અવસર ઊભા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગામી વાયબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ઉદ્યોગ-વેપારના વૈશ્વિક નકશે અગ્રેસર બનાવવાના હેતુથી 2003માં ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની 10મી કડી આગામી તારીખ 10થી 12 જાન્યુઆરી, 2024ના દિવસોએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાવાની છે. ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવામાં મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી આ વેબસાઈટ તથા મોબાઇલ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે.



