બે દિવસ પહેલા ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ હિંદુઓને કેનેડા છોડીને ભારત જવા કહ્યું હતું. જે બાદમાં હિંદુ સંગઠનોએ સરકારને પત્ર લખીને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત એક હિંદુ સાંસદ ચંદ્ર આર્યએ પણ કહ્યું કે, આ રીતે વાત કરવી એ કેનેડાની સંસ્કૃતિનું અપમાન છે અને સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
સમગ્ર મામલે હવે કેનેડીયન સરકારનું નિવેદન સામે આવ્યું છે. કેનેડા સરકારે કહ્યું કે, દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી. જે વીડિયોમાં હિંદુઓને કેનેડા છોડવાનું કહેવામાં આવ્યું છે તે કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. આ અમારી મૂળભૂત ભાવનાઓ વિરુદ્ધ છે. અમે માત્ર બહુ-ધાર્મિક સંસ્કૃતિમાં જ માનતા નથી પરંતુ પાયાના સ્તરે તેનું પાલન પણ કરીએ છીએ. કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક ક્રિયા, નફરત, ડર અથવા ધાકધમકી માટે કેનેડામાં કોઈ સ્થાન નથી.
આ સાથે કેનેડાની સરકારે કર્યું કે, અમે કેનેડાને વિભાજીત કરતા કોઈપણ અભિપ્રાયને સમર્થન આપતા નથી. અમે દરેક કેનેડિયન નાગરિકને એકબીજાનું સન્માન કરવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરીએ છીએ, દરેક કેનેડિયન નાગરિક સંપૂર્ણપણે સુરક્ષિત છે.