અમદાવાદમાં રહેતી એક રશિયન મહિલા સાથે એવી ઘટના બની કે તેણે પ્રધાનમંત્રી કાર્યલયમાંથી સુરક્ષાની માગ કરવી પડી છે. અમદાવાદમાં એક રશિયન મહિલા તેના ભારતીય પતિ સાથે રહે છે. આલા એફનસોવા અને સંતોષ નિહાલા બંને અમદાવાદના સરદારનગરમાં આવેલા કર્ણાવતી સુંદરવન રેસિડેન્સીમાં 2019થી રહે છે. બંને પતિ-પત્નીને હાલમાં પોતાની સુરક્ષા અંગે ચિંતા છે.
2019માં સુરજ ક્રિષ્ણાની ઉર્ફે બાબા સિંધીએ તેના સાગરિતો સાથે મળીને નરેશ શર્મા નામના વેપારીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTVમાં કેદ થઈ હતી. વેપારી નરેશ શર્માએ બાબા સિંધી અને તેના ગુંડાઓ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી ફરિયાદથી બચવા માટે બાબા સિંધીએ CCTV ડિલીટ કરવા માટે સંતોષ નિહાલાને કહ્યું હતું. જોકે સંતોષ નિહાલા ઈન્કાર કરી દેતા બાબા સિંધી ઉશ્કેરાયો અને હવે તે આલા એફનસોવા અને સંતોષ નિહાલા બંનેને ધાક ધમકી આપે છે.
મહત્વનું છે કે વર્ષ 2019થી અત્યારસુધીમાં બાબા સિંધી અને તેના સાગરિતો 3 વખત બંનેના ઘર સુધી આવી પહોંચ્યા છે. જેથી કંટાળીને આ દંપતિ હવે સુરક્ષા આપવા માટે સરકારને વિનંતી કરી રહી છે. અસામાજિક તત્વ સુરજ ક્રિષ્ણાની ઉર્ફે બાબા સિંધી પર માત્ર સરદારનગર પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં 10 ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ દંપતી હાલ એ જ સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે કે આ અસામાજિક તત્વ તરફથી કોઈ હેરાનગતિ ના થાય અને પોલીસ સુરજ ક્રિષ્ણાની ઉર્ફે બાબા સિંધી પર કોઈ કાર્યવાહી કરે.