અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીક ગુજરાતના બે દિવસીય સંગઠનની બાબતે પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જે અંતર્ગત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો-પૂર્વ પ્રમુખઓ, જે તે લોકસભા બેઠકનો પ્રવાસ કરશે અને ત્યાની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠનની અસરકારકતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠકો યોજશે.
ગુજરાતના કોંગ્રેસ સંગઠનના 33 જીલ્લા અને 8 શહેરોના પ્રમુખશ્રીઓ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકમાં માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજીએ જણાવ્યું હતું કે, શહેર-જીલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારીનું વિશેષ મહત્વ છે. પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે નિરાશા ખંખેરીને આગળ વધવાનું છે. પક્ષના સંગઠનને વિસ્તૃત બનાવીને જવાબદારીની વહેંચણી કરવી પડશે. જીલ્લા-તાલુકા વચ્ચે સંગઠનમાં તાલમેલ જરૂરી છે. 33 જીલ્લા અને 8 મહાનગરોના સંગઠનના પ્રમુખઓ સાથેની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનમાં સોંપાયેલ વિવિધ જવાબદારી માટે સમયમર્યાદા નક્કી કરી છે. હાથ સે હાથ જોડો અભિયાનની સભ્ય નોંધણી ઝુંબેશ માટે સોંપાયેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવી જરૂરી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી રામકિશન ઓઝા, ઉષા નાયડુ, બી.એમ. સંદીપ, કાર્યકારી પ્રમુખઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી જે અંતર્ગત શક્તિસિંહ ગોહિલ – છોટા ઉદેપુર, ભરૂચ, જગદીશભાઈ ઠાકોર – અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સાબરકાંઠા, સિધ્ધાર્થભાઈ પટેલ – ખેડા, આણંદ, મહેસાણા, અર્જુનભાઈ મોઢવાડીયા – બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, કચ્છ, ભરતસિંહ સોલંકી – પંચમહાલ, વડોદરા, નવસારી, સુરત, અમિતભાઈ ચાવડા – ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, પરેશભાઈ ધાનાણી – ગાંધીનગર, પાટણ, પોરબંદર, જામનગર, સુખરામભાઈ રાઠવા – દાહોદ, બારડોલી, વલસાડ જવાબદારી નક્કી કરવામાં આવી હતી