ભારતની સિફ્ટ કૌર સામરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનની વ્યક્તિગત ઇવેન્ટમાં વર્ચસ્વ જમાવીને વર્લ્ડ રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે આશી ચોક્સીએ બુધવારે અહીં એશિયન ગેમ્સમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. સિફ્ટે ફાઇનલમાં 469.6 પોઇન્ટ મેળવ્યા હતા. તેણીએ ફાઇનલમાં 467.0 પોઈન્ટના બ્રિટનના સાયનેડ મેકિન્ટોશના વર્લ્ડ રેકોર્ડને 2.6 પોઈન્ટથી સુધાર્યો હતો.
સિફ્ટે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સંયુક્ત એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. આશીએ 451.9ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિફ્ટના વર્ચસ્વનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સિલ્વર મેડલ વિજેતા ચીનની ક્વિઓન્ગુઇ ઝેંગ (462.3) તેના કરતાં 7.3 પોઈન્ટ પાછળ હતી. આ પહેલા સિફ્ટ, આશી અને માનિની કૌશિકે પણ ટીમ ઈવેન્ટમાં મહિલાઓની 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આશી, માનિની અને સિફ્ટની ત્રિપુટી 1764 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશનમાં બીજા ક્રમે રહી હતી. યજમાન ચીને કુલ 1773 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે દક્ષિણ કોરિયાએ કુલ 1756 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિફ્ટ અને આશિએ અનુક્રમે બીજા અને છઠ્ઠા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિફ્ટે 594 પોઈન્ટ મેળવ્યા જે ક્વોલિફાઈંગમાં એશિયન સંયુક્ત રેકોર્ડ છે.





